તેઓ બજાર ઍક્સેસ, કૃષિ ઉત્પાદનો પર કસ્ટમ ડ્યુટી અને ખાસ કરીને દારૂ અને ડેરી પરના મતભેદ મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે
New Delhi, તા.૮
અમેરિકા દ્વારા ભારત પર લગાવવામાં આવેલા ૨૫ ટકા ટેક્સ સહિત, રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા માટે દંડ તરીકે ૨૫ ટકા વધારાનો ટેરિફ લગાવવામાં આવ્યો છે. આને કારણે, કુલ ટેરિફ ૫૦ ટકા સુધી પહોંચી ગયો છે. ભારત પર લગાવવામાં આવેલા હાઈ ટેરિફને કારણે યુએસ બજારમાં ભારતીય નિકાસકારો માટે સ્પર્ધા ખૂબ જ કઠિન બની ગઈ છે. એટલે કે, વિયેતનામ કે બાંગ્લાદેશ અને પાકિસ્તાનના નિકાસકારો સામે ભારતનું ટકી રહેવું મુશ્કેલ બની રહ્યું છે.ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મહત્વાકાંક્ષી ફ્રી ટ્રેડ કરાર માટે પ્રયાસો વધુ તીવ્ર બની ગયા છે અને તમામ બાકી રહેલા મતભેદોને ઉકેલવા માટે આવતા મહિને બે મહત્વપૂર્ણ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, યુરોપિયન અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ આ અઠવાડિયે નવી દિલ્હીની મુલાકાત લેવાનું છે. જ્યાં તેઓ બજાર ઍક્સેસ, કૃષિ ઉત્પાદનો પર કસ્ટમ ડ્યુટી અને ખાસ કરીને દારૂ અને ડેરી પરના મતભેદ મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે.
આ પગલું એવા સમયે લેવામાં આવી રહ્યું છે, જ્યારે ભારત અમેરિકાના ઊંચા ટેરિફના દબાણ હેઠળ છે અને યુએસ ભારત પર વધારાની કસ્ટમ ડ્યુટી લાદવા માટે યુરોપિયન યુનિયન પર સતત દબાણ કરી રહ્યું છે.
ખરેખર બંને પક્ષો આ વર્ષના અંત સુધીમાં વાતચીત પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કારણ કે ટ્રમ્પ ટેરિફની અસરને કારણે, સરકાર નવા બજારો શોધી રહ્યું છે. યુરોપિયન યુનિયન ભારતનો મુખ્ય વેપારી ભાગીદાર છે અને બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ૨૦૨૩-૨૪માં લગભગ ૧૩૫ બિલિયન ડોલરના આંકડાને સ્પર્શી ગયો છે.
એવું માનવામાં આવે છે કે યુરોપિયન યુનિયન ૧૭ સપ્ટેમ્બરે ભારત માટે તેના નવા વિઝનની બ્લુપ્રિન્ટ રજૂ કરશે અને આવતા મહિનાની શરૂઆતમાં યોજાનારી કોન્ફરન્સમાં તેની ઔપચારિક જાહેરાત કરી શકે છે.