New Delhi,તા.11
પાટનગર દિલ્હીના મધ્યમાં લાલ કિલ્લા મેટ્રો રેલવે સ્ટેશન પાસે ગઈકાલે થયેલા કાર બોમ્બ વિસ્ફોટ તથા લોકોના મોતમાં ત્રાસવાદી ફીદાયીન હુમલો જ હોવાનું નિશ્ચિત થતા હવે તપાસનો ધમધમાટ મચી ગયો છે અને સમગ્ર તપાસનું નેતૃત્વ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીને સોપાયુ છે.
હવે સમગ્ર કેસ અનલોફુલ એકટીવીટી પ્રીવેન્શન એકટ- યુએપીએ હેઠળ ચાલશે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહના નિવાસે આજે સવારે ઈન્ટેલીજન્સ બ્યુરો દિલ્હી પોલીસ એનઆઈએ તથા એનએલજીની એક ઉચ્ચ કક્ષાની બેઠક મળી હતી અને લગભગ દોઢ કલાક ચાલેલી આ બેઠકમાં આ તમામ એજન્સીઓના વડા ઉપસ્થિત હતા તથા ગૃહ સચીવ પણ સામેલ થયા હતા.
શ્રી શાહ સમક્ષ એજન્સીઓએ રીપોટીંગ કર્યા બાદ તમામ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીને સોપવા નિર્ણય લેવાયો હતો તથા સમગ્ર કાર્યવાહી યુએપીએ હેઠળ ચાલશે. દિલ્હીમાં 15 વર્ષ બાદ આ પ્રકારે ત્રાસવાદી હુમલો થયો છે અને સરકાર તેને અત્યંત ગંભીરતાથી લઈ રહી છે.
સમગ્ર હુમલો દિલ્હી-ફરિદાબાદ પુલવામા એમ ટ્રા-એંગલ ધરાવે છે. તેમાં વિવિધ એજન્સીઓએ ધરપકડનો દૌર શરૂ કર્યો છે. દિલ્હી પોલીસે યુએપીએ અને એકસપ્લોસીવ એકટ હેઠળ લાલ કિલ્લા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી તપાસ એનઆઈએને ટ્રાન્સફર કરી છે.
હાલ ભૂટાનની મુલાકાતે ગયેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે સલામતી અંગેની કેબીનેટ કમીટીની બેઠક મળશે. ઓપરેશન સિંદુર બાદ પ્રથમ વખત ફરી આ બેઠક મળી રહી છે તથા જે રીતે ફરિદાબાદથી પુલવામા સુધી ડોકટરોની એક પુરી કડી આ હુમલામાં સંડોવાઈ છે.
તે પછી સરકાર વ્હાઈટ કોલર ટેરર તરીકે પણ માનવી મોડેસ ઓપરેન્ડીને જુએ છે. ગઈકાલે જ એનઆઈએની ટીમ આ બ્લાસ્ટસ સ્થળે પહોંચી ગઈ હતી અને ફોરેન્સીક સહિતના પુરાવા પણ એકત્ર કર્યા છે.

