New Delhi,તા.11
પાટનગર-દિલ્હીમાં ગઈકાલે 3.52 મિનિટે લાલ કિલ્લા પાસે થયેલા કાર-બોમ્બ વિસ્ફોટ એ એક ફિદાયીન- આત્મઘાતી હુમલો હતો તે નિશ્ચિત થયુ છે અને તેના તાર ગઈકાલે જ ફરિદાબાદમાં જે રીતે એમોનીયમ નાઈટ્રેટ સહિતના વિસ્ફોટકોનો મોટો જથ્થો ઝડપાયો તેની સાથે સીધું કનેકશન જોવા મળ્યુ છે તથા આઈ-20 કાર જેનો આ હુમલામાં ઉપયોગ થયો તે પુલવામા કનેકશન ધરાવતા ડો. ઉમર મોહમ્મદ ચલાવતો હતો.
તે ખુદને આ હુમલામાં ફિદાયીન તરીકે ઉપયોગ કરી જે વિસ્ફોટ કર્યો તેમાં નવ લોકોના મૃત્યુ થયા છે અને અનેક ઘાયલ થયા છે. જેમાં હવે આ ટેરર-મોડયુલ છેક કાશ્મીર સાથે જોડાયેલું હોવાનું અને પાકિસ્તાન સાથે પણ તેનું કનેકશન ખુલતા હવે તે તપાસ ઉતરપ્રદેશ અને કાશ્મીરમાં કેન્દ્રીત થઈ છે.
મૂળ હરિયાણા પાસીંગની અને રી-સેલમાં છેક પુલવામાના તારીક પાસે પહોંચેલી આ કારનો ઉપયોગ ડો. ઉમરે ફિદાયીન-આત્મઘાતી હુમલામાં કર્યો હતો. પોલીસે બ્લાસ્ટસ પુર્વેના સીસીટીવી ફુટેજ કબ્જે કરીને સમગ્ર ઘટનાની કડીઓ પ્રસ્થાપીત કરવા પ્રયાસ કર્યો છે.
ડો. ઉમર આ વિસ્ફોટ સર્જવાના ઈરાદા સાથે જ લાલ કિલ્લા નજીકના મેટ્રો સ્ટેશનના પાર્કીંગમાં પહોંચ્યો હતો તેની સાથે કારમાં બે થી ત્રણ લોકો હતા અને ઉમરે સાંજના આ ક્ષેત્રમાં ભારે ભીડ જેવી સ્થિતિ બને તે જોવા માટે પાર્કીંગમાં કાર ઉભી રાખીને લગભગ ત્રણ કલાક કારમાં બેસી રહ્યો હતો અને સાંજે 6.52 કલાકે તે કારને પાર્કીંગમાંથી બહાર કાઢી હતી અને ખૂબજ ધીમી ગતિએ ચલાવી સિગ્નલ `રેડ’ થાય અને આસપાસ અનેક કારો ઉભી રહે તે નિશ્ચિત કરીને પછી વિસ્ફોટ કર્યો હતો.
જેના કારણે અનેક કારોના ફુરચા ઉડી ગયા હતા. હવે પાર્કીંગમાં તે ત્રણ કલાક કોની સૂચનાની રાહ જોતો હતો કે ભીડ વધવાથી તે નિશ્ચિત કરવા પોલીસે આસપાસના મોબાઈલ ટાવરના સિગ્નલોની તપાસ શરૂ કરી છે. જે વિસ્ફોટ થયો તે ફરિદાબાદમાં ઝડપાયેલ એમોનિયમ નાઈટ્રેટ જેવા જ વિસ્ફોટકના ઉપયોગ થયો હોવાનું બહાર આવ્યું છે.
અહી પહોંચેલા મૃતદેહો ઈજાગ્રસ્તના શરીર પર આરડીએકસ બ્લાસ્ટસથી થતા વિસ્ફોટમાં જે કાળા નિશાન થઈ જાય છે તે જોવા મળ્યા નથી. પોલીસે આ બારામાં અગાઉ જ ડો. મુજમ્મિલ શકીલ અને લખનૌના મહિલા તબીબ ડો. શાહીન શાહીદની ધરપકડ કરી ડો. ઉમર મોહમ્મદની કુંડળી ચકાસવાનું શરૂ કર્યુ છે તથા ડો. ઉમર જ આત્મઘાતી હુમલાખોર હતો તે નિશ્ચિત કરવા ડીએનએ ટેસ્ટ થશે.

