New Delhi,તા.17
ઈન્ડિગોની ફ્લાઈટનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. દિલ્હી ગોવા ફ્લાઈટને બુધવારે રાત્રે 8 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી. ઈન્ડિગોના એરબસ A320NEO (VT-IJB) ના એક એન્જિનમાં સમસ્યા હતી. ટવીન-એન્જિન જેટ એક એન્જિન પર સુરક્ષિત રીતે ઉતરાણ કરી શકે છે, પરંતુ પાયલોટે સાવચેતી રૂપે મુંબઈમાં પ્લેનને સુરક્ષિત રીતે લેન્ડ કર્યું.
પ્રાપ્ત માહિતી અનુસાર, વિમાનનું એક એન્જિન ફેલ થઈ ગયું હતું, તેથી તેને મુંબઈ વાળવાનો નિર્ણય લેવામાં આવ્યો. મુંબઈ એરપોર્ટ પર સંપૂર્ણ કટોકટી જાહેર કરવામાં આવી.
વિમાન રાત્રે 9.52 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું. ઈન્ડિગોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઉડાન દરમિયાન એન્જિનમાં ટેકનિકલ ખામી જોવા મળી હતી.
પ્રક્રિયાઓને અનુસરીને, વિમાનને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું હતું. જરૂરી તપાસ બાદ વિમાન ફરીથી કાર્યરત કરવામાં આવશે. મુસાફરો માટે વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરવામાં આવી છે.
એન્જિન ફેલ થવાને કારણે પાયલોટે મુંબઈ એટીસીને ’પાન પાન પાન’ સંદેશ મોકલ્યો હતો. આ એક કટોકટી સંદેશ છે, જે કોઈ જીવલેણ કટોકટીનો સંકેત આપતો નથી.
રવિવારે, પુણેથી દિલ્હી જતી સ્પાઇસજેટની ફ્લાઇટ ટેકઓફ માટે રનવે પર પહોંચ્યા પછી ટેકનિકલ ખામીને કારણે રદ કરવી પડી હતી. વિમાનમાં સવાર મુસાફરોએ દાવો કર્યો હતો કે ટેકનિકલ ખામીને કારણે વિમાન 9 કલાક મોડા પડ્યા પછી તેના ગંતવ્ય સ્થાન માટે રવાના થયું હતું.