દિલ્હી, બેંગલુરૂ, હૈદ્રાબાદ જેવા શહેરોમાં ઘેર ઘેર શૈક્ષણિક ફીમાં કરાયેલા ૧૦ ટકાના વધારાની ચર્ચા થઇ રહી છે. સ્કુલના સંચાલકોને કોઇ કહેનાર નથી અને કોઇનો તેમને ડર ના હોવાથી મનમાની કર્યા કરે છે. આમ, તો દરેક પ્રાઇવેટ સ્કુલ સરકારના શિક્ષણ ખાતાની મંજૂરીથી ચાલતી હોય છે. પરંતુ સરકાર તેમના કાઇ કામમાં ચંચુપાત કરી શકતી નથી. કેટલાક સંચાલકો તો લૂંટવા બેઠા હોય એમ ૫૦ ટકા જેટલી ફી વધારી દીધી છે.
આ સંચાલકો બિન્ધાસ્ત રીતે કહે છે કે અમે કોઇને બોલાવવા નથી જતા.તમારા સંતાનને સારું શિક્ષણ જોઇતું હોય તો અમારી ફી ભરો નહીંતર અમને ભૂલી જાવ. દરેક વાલી તેમના સંતાનને સારૃં શિક્ષણ મળે તે માટે પ્રયાસ કરે છે. પરંતુ તેમને પરવડે એવી ફી નથી હોતી અને સ્કૂલો વાળા વિના રોકટોક ફી ઉધરાવે જાય છે. દિલ્હીમાં વાલીઓનો રોષ વધુ જોવા મળી રહ્યો છે. ત્યાં વાલીઓ મેદાનમાં આવી ગયા છે અને આડેધડ ફી વધારતી સ્કુલો સામે દેખાવો ચાલી રહ્યા છે.
દિલ્હીની ડાયરેક્ટોરેટ ઓફ એજ્યુકેશનની ઓફિસ સામે પણ વાલીઓે દેખાવો કર્યા હતા. દિલ્હીના દ્વારકાની દિલ્હી પબ્લીક સ્કુલ સામે જેમ દેખાવો કરાયા એમ દિલ્હી એનસીઆરની સ્કુલો સામે પણ દેખાવો કર્યા હતા.
જે સ્કુલો સરકારની ગ્રાન્ટ કે અન્ય સહાય નથી લેતી. તે તો દિલ્હીના કોઇ પ્રધાનની એડમીશન માટેની ભલામણની ચીઠ્ઠી પણ નથી ચલાવતી. આવી સ્કુલોના સંચાલકો વગદાર લોકો હોય છે અને શિક્ષણ ખાતાના તમામ મોં તેમણે પૈસાથી સીવી દીધા હોય છે.
ગયા વર્ષે ફી બાબતે બહુ વિવાદ થયો એટલે મામલો કોર્ટમાં પહેંચ્યો હતો. દિલ્હી હાઇકોર્ટે વચગાળાનો હુકમ કર્યો હતો કે સ્કુલો જે ફી વધારવા માંગતી હોય તો તેણે ૧૯૭૩ના દિલ્હી સ્કુલ એજ્યુકેશન એક્ટ એન્ડ રૂલ હેઠળ ફીનું સ્ટેટમેન્ટ આપવું પડશે અને દિલ્હી એજ્યુકેશન બોર્ડે તેપર ધ્યાન આપવું પડશે.
કર્ણાટકની સરકારે પણ પ્રાઇવેટ સ્કુલોના ફી વધારા સામે લાલ આંખ બતાવી હતી. કર્ણાટકની સરકારે કહ્યું છે કે દરેક સ્કુલે પોતાની ફીનું માળખું જાહેરમાં લખીને મુકવું પડશે. તેમજ વાલીઓની ફરિયાદનું રજીસ્ટર પણ રાખવું પડશે. પરંતુ કર્ણાટકની સરકાર ફીની કોઇ મર્યાદા નક્કી કરી શકી નહોતી.