એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે સાયબર ફોરેન્સિક ટીમ ઇમેલના આઈપી એડ્રેસને ટ્રેસ કરવા માટે કામ કરી રહી છે
New Delhi, તા.૨૦
રાજધાની દિલ્હીમાં શાળાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીઓના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. બુધવારે સવારે, દિલ્હીની ૫૦થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાડી ધમકીના ઈ-મેઇલ મળતાં ચકચાર મચી ગઈ હતી. વહેલી સવારે મળેલા આ ઈ-મેઇલથી શાળા વહીવટીતંત્ર, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ગભરાટ ફેલાયો છે. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે, હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી અને તપાસ હજુ શરૂ છે. માહિતી માહિતી મુજબ, સવારે ૭ઃ૪૦ અને ૭ઃ૪૨ વાગ્યે, નજફગઢ, માલવિયા નગરમાં હૌજ રાની અને કરોલ બાગમાં પ્રસાદ નગરમાં આંધ્ર સ્કૂલમાં ધમકીભર્યા ઈ-મેઇલ મળ્યા હતા. દિલ્હી ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, સ્થાનિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને અન્ય એજન્સીઓ તુરંત સક્રિય થઈ ગઈ અને શાળામાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. માહિતી અનુસાર, ૫૦ થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે.નોંધનીય છે કે, દિલ્હીમાં શાળાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીનો આ પહેલો કિસ્સો નથી. તાજેતરના મહિનાઓમાં, ખાસ કરીને મે અને જુલાઈ ૨૦૨૫માં, દિલ્હીની ડઝનબંધ શાળાઓને આવા ધમકીભર્યા ઈ-મેઇલ મળ્યા હતા, જે પાછળથી નકલી સાબિત થયા હતા. થોડા સમય પહેલાં પણ દિલ્હીની ૩૫થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાડી ધમકીઓ મળી હતી. જોકે, આ ધમકીઓ પણ નકલી હોવાનું સામે આવ્યું હતું.ધમકી મળતાની સાથે જ દિલ્હી પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. શાળાઓ ખાલી કરાવવામાં આવી અને વિદ્યાર્થીઓને સલામત સ્થળોએ લઈ જવામાં આવ્યા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે સાયબર ફોરેન્સિક ટીમ ઇમેલના આઈપી એડ્રેસને ટ્રેસ કરવા માટે કામ કરી રહી છે.