New Delhi,તા.૨૩
દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં મંગળવારે રાત્રે કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત દિવાળીની ઉજવણી દરમિયાન હંગામો થયો હતો. વિદ્યાર્થીઓના બે જૂથો સામસામે આવી ગયા હતા. વિવાદ એટલો વધી ગયો કે મારામારી સુધી પહોંચી ગયો. એવો આરોપ છે કે એક સમુદાયના વિદ્યાર્થીઓએ દિવાળીની ઉજવણીનો વિરોધ શરૂ કર્યો હતો. મોટી સંખ્યામાં પહોંચેલા અમુક સમુદાયોના વિદ્યાર્થીઓએ દીવા અને રંગોળી પ્રગટાવી વિરોધ કર્યો હતો. આ દરમિયાન મારામારી પણ થઈ હતી.
આ દરમિયાન ચોક્કસ સમુદાયના વિદ્યાર્થીઓએ ધાર્મિક નારા લગાવ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે ૧૦૦થી વધુ લોકો હંગામો મચાવી રહ્યા છે. લોકો અલ્લાહ હુ અકબર અને પેલેસ્ટાઈન ઝિંદાબાદના નારા પણ લગાવી રહ્યા છે. સૂત્રોચ્ચારથી વાતાવરણ તંગ બની ગયું હતું.
પોલીસે જણાવ્યું કે આ ઘટના ગેટ ૭ પાસે સાંજે ૭ઃ૩૦-૮ વાગ્યાની આસપાસ બની હતી. હજુ સુધી કોઈ એફઆઇઆર નોંધાઈ નથી. શાંતિ જાળવવા માટે કેમ્પસની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.એબીવીપી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓનું એક જૂથ દિવાળી માટે દીવા લગાવી રહ્યા હતા અને રંગોળી બનાવી રહ્યા હતા ત્યારે ગુસ્સે થયેલા વિદ્યાર્થીઓના બીજા જૂથે શણગ૦૦૯૯ારમાં વિક્ષેપ પાડ્યો હતો, જેના કારણે અથડામણ થઈ હતી. વિવાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સ્ટુડન્ટ ફેડરેશન ઑફ ઈન્ડિયાના જેએમઆઇ યુનિટે દાવો કર્યો હતો કે એબીવીપીએ દિવાળીની ઉજવણીની આડમાં વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. આ આરોપોને નકારી કાઢતા એબીવીપીના રાષ્ટ્રીય મીડિયા સંયોજક આશુતોષ સિંહે કહ્યું કે એબીવીપી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓએ દિવાળીનો કાર્યક્રમ યોજ્યો હતો. લગભગ એક-બે કલાક સુધી આ શાંતિપૂર્ણ રીતે ચાલ્યું. જો કે તે પછી બીજા જૂથના કેટલાક વિદ્યાર્થીઓએ આવીને કાર્યક્રમને ખોરવી નાખ્યો હતો. કેટલાક દીવાઓને નુકસાન પહોંચાડ્યું અને ’પેલેસ્ટાઈન ઝિંદાબાદ’ જેવા નારા લગાવવા લાગ્યા. હાલ ઘટનાસ્થળે પરિસ્થિતિ પોલીસના નિયંત્રણમાં છે. અથડામણમાં કોઈ વિદ્યાર્થીને ઈજા થઈ હોવાની કોઈ માહિતી નથી. ગઈકાલે રાત્રે હંગામો મચાવનાર વિદ્યાર્થીઓને અલગ કરી દેવામાં આવ્યા હતા.