Vadodara,તા.24
વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખા દ્વારા તંત્રના આદેશથી ઠેર ઠેર ગેરકાયદે લારી ગલ્લા શેડ જેવા દબાણનો સફાયો થઈ રહ્યો છે ત્યારે આવા બેરોજગાર અને રોજે રોજનું લાવીને ખાનારા લોકોને રોજગારી આપવાની અને સ્ટ્રીટ વેન્ડર પોલિસીના અમલ કરવા સહિત લારી ગલ્લા પથારાવાળા સામે થતી દંડનીય કાર્યવાહી બંધ કરવા અંગે પાલિકા તંત્રના મ્યુ. કમિશનર કચેરી ખાતે શહેરના ઇનટૂક અધ્યક્ષ, જાગો વડોદરા, તથા ઓલ બરોડા તથા લારી સંઘના એસો. દ્વારા મેયરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. લારી ગલ્લા પથારાવાળા, ફેરિયાને રોજગારીના અધિકારની માંગ કરવામાં આવી છે. આવેદન પત્રમાં વધુમાં જણાવ્યું છે કે,આ ઉપરાંત ગત 2014માં બનાવવામાં આવેલી સ્ટ્રીટ વેન્ડર્સ પોલીસીનો અમલ કરવા અને એક્ટ મુજબ પાલિકાની દબાણ શાખા દ્વારા કબજે કરવામાં આવેલા લારી ગલ્લા કોઈપણ જાતની દંડનીય કાર્યવાહી વિના પાછા. આપવા માંગ કરાઇ છે. આવા લોકો સામે ખોટી દંડનિય કાર્યવાહી બંધ કરવાની પણ આવેદનપત્રમાં ઇનટૂકના અધ્યક્ષ નરેન્દ્ર રાવતે જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, દબાણ શાખાની કાર્યવાહી તાત્કાલિક ધોરણે બંધ કરવા માંગ કરી કરી છે. લારી ગલ્લા વાળાઓને હેરાન કરવાની સત્તા નથી તેવો પણ આવેદનપત્રમાં આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત તમામ લારીવાળા પાસેથી વહીવટી ચાર્જ વસૂલ કરવાનું બંધ કરવા પણ તંત્ર સમક્ષ માંગ કરી હતી. લારી ગલ્લા વાળાને એક બાજુ કેન્દ્ર સરકારની યોજના પ્રમાણે લોન આપવામાં આવે છે તો બીજી બાજુ પોલીસ અને કોર્પોરેશનનું તંત્ર લારી ગલ્લા ઉઠાવી રોજગારી છીનવી રહ્યું છે.