New Delhi,તા.15
સોનાના ભાવમાં સતત થઈ રહેલા વધારાના કારણે એક તરફ જવેલરી માર્કેટમાં જુનુ સોનુ વેચવા માટે મોટી સંખ્યામાં પરિવારો આવી રહ્યા છે ત્યારે બીજી તરફ ઉંચા ભાવને કારણે સોના પરના ધિરાણમાં પણ વધારો થયો છે અને હવે હોમલોન કરતા પણ સોના પરની લોનની માંગ વધી ગઈ છે.
જુલાઈ અંત સુધીના ચાલુ નાણાકીય વર્ષના રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના આંકડામાં સ્પષ્ટ થયુ છે કે અત્યાર સુધીમાં રૂા.70675 કરોડની હોમલોન આપવામાં આવી છે જેની સામે રૂા.85432 કરોડની ગોલ્ડ લોન એટલે કે સોના સામે ધિરાણ આપવામાં આવી રહ્યું છે.
ચાલુ નાણાકીય વર્ષમાં સોનાના ભાવમાં 23 ટકા જેવો વધારો થયો છે અને તા.12 સપ્ટેમ્બરના રોજ આ ભાવ રૂા.109390 પ્રતિ 10 ગ્રામ નોંધાયા છે અને તેના કારણે સોના પર ધિરાણની રકમ પણ વધુ મળે છે.
આ ઉપરાંત ટુંકાગાળાની જરૂરિયાત માટે સોના પરનું ધિરાણ ઝડપથી મળી જતુ હોવાથી લોકો અન્ય લોન કરતા સોના પરનું ધિરાણ વધુ પસંદ કરે છે. પર્સનલ વગેરે લોનમાં ઉંચા વ્યાજદર પણ નડે છે. ક્રેડીટ કાર્ડ અને અન્ય ધિરાણ પણ જે ઈન્સ્ટન્ટ ધિરાણ ગણાય છે તે પણ મોંઘા બન્યા છે ત્યારે માર્ચના અંત બાદની સ્થિતિમાં સોના પરનું ધિરાણ 40.9 ટકા જેવું વધી ગયું છે.
જયારે હોમલોનનું ધિરાણ 2.3 ટકા વધ્યુ છે. સોના પર અત્યાર સુધીમાં કુલ 2.09 લાખ કરોડનું ધિરાણ થયું છે. જો કે હાઉસીંગ લોન 30.8 લાખ કરોડની થઈ છે. જુલાઈ સુધીમાં પર્સનલ લોન 15.4 લાખ કરોડ જે 1.05 ટકા વધી છે.
રિઝર્વ બેન્કે પર્સનલ અને એ પ્રકારની કે જે કોઈ સીકયોરિટી વગર આપવામાં આવતી હોય તેના સતત વધી રહેલા પ્રમાણથી ચેતવણી આપી હતી જેમાં ડિફોલ્ટ થનાર પાસેથી વસુલાત અઘરી બને છે. બેંકોના રિપોર્ટ મુજબ 60થી70 ટકા હોમલોનમાં ગ્રાહકો નિયમીત રીતે રીપેમેન્ટ કરીને ફરી એક વખત લોન લેવા આવે છે.