Rajkot, તા.27
રાજકોટ શહેરનાં સંવેદનશીલ ગણાતા જંગલેશ્વર વિસ્તારમાં આશરે 39 વર્ષથી દબાણગ્રસ્ત થઇ ગયેલી રૂા.400 કરોડથી વધુની કિંમતની 1,05,800 ચો.મી. સરકારી જમીન ઉપર ગેરકાયદેસર ખડકાય ગયેલા રહેણાંક અને કોમર્શિયલ દબાણો ઉપર હવે ગમ્મે ત્યારે રેવન્યુ તંત્રનું બુલડોઝર ફરી વળવાનું છે.
કારણ કે, જિલ્લા કલેક્ટર ડો. ઓમપ્રકાશની સુચના અનુસાર આજે સવારથી જ પૂર્વ મામલતદાર એન.પી. અજમેરા અને તેની ટીમો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ જંગલેશ્વરમાં રૂબરૂ તમામ દબાણકર્તાઓને સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવાની સાત દિવસની મુદતની આખરી કલમ-202ની નોટીસો ફટકારવાનું શરુ કરી દીધું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કલેક્ટરની સુચના અનુસાર મામલતદારે 1358 દબાણકર્તાઓને કલમ-61 હેઠળની નોટીસો ફટાકીર સાંભળ્યા હતા અને આધાર-પુરાવા રજૂ કરવા જણાવેલ હતું.
છતાં એક પણ દબાણકર્તા આજ સુધીમાં અસલી દસ્તાવેજ કે અન્ય પૂરાવા રજૂ કરી શક્યા ન હતા આથી હવે આજથી આ 1358 દબાણો તોડી પાડવા માટે કાઉન્ટ-ડાઉન શરુ કરાયું છે.
રાજકોટ શહેરમાં સરકારી જમીનો પર ખડકાયેલા દબાણો દૂર કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે ઇતિહાસની સૌથી મોટી મેગા ડિમોલિશન ડ્રાઇવની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. તંત્ર દ્વારા મળતી વિગતો મુજબ, કરોડો રૂપિયાની કિંમત ધરાવતી આશરે 15 લાખ ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવા માટે આગામી દિવસોમાં મોટાપાયે કાર્યવાહી હાથ ધરાશે.
7 દિવસમાં જમીન ખાલી કરવા આદેશ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલમ 61 મુજબ 202 જેટલી નોટિસો ફટકારી દેવામાં આવી છે. તંત્રએ કડક શબ્દોમાં સૂચના આપી છે કે સરકારી જમીન પર જે દબાણો છે તે આગામી 7 દિવસમાં સ્વેચ્છાએ ખાલી કરી દેવામાં આવે, અન્યથા તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવશે. આ કાર્યવાહીમાં અંદાજે 1358 જેટલા મકાનો અને અન્ય દબાણોનો સફાયો બોલાવવામાં આવે તેવી શક્યતા છે.
બીજી તરફ, રાજકોટ મહાનગરપાલિકા એ પણ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 1,000થી વધુ દબાણો આઈડેન્ટીફાઈ કર્યા છે અને તેમને નોટિસ આપવાની તજવીજ શરૂ કરી દીધી છે.
આમ, કુલ મળીને 1.85 લાખ ચોરસ મીટર જેટલી વિશાળ અને બજાર કિંમતની દ્રષ્ટિએ કરોડો રૂપિયાની જમીન પર ગેરકાયદેસર દબાણ હોવાનું ચોપડે નોંધાયું છે. આગામી દિવસોમાં આ વિસ્તારમાં તંત્રના બુલડોઝર ગરજે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
દરમ્યાન ઉપરોક્ત કાર્યવાહી બાબતે રાજકોટ શહેર (પૂર્વ) મામલતદાર એન.પી. અજમેરાનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ હતું કે, જંગલેશ્વર દબાણ મુદ્ે તાજેતરમાં અરજદારો દ્વારા કોર્ટમાં ત્રણ કેવિએટ દાખલ કરાઇ હતી જે પૈકી બે કેવિએટ નીકળી ગઇ છે અને હજુ એક પેન્ડીંગ છે. જો કે તંત્રએ પણ અગાઉથી જ હાઇકોર્ટમાં કેવિએટ દાખલ કરી છે.
આજરોજ તંત્રએ પાઠવેલી આખરી નોટીસમાં જણાવાયું છે કે, મામલતદાર, રાજકોટ શહેર (પૂર્વ) સને 1879ના મુંબઇના મહેસુલના કાયદાની કલમ-202માં ઠરાવ્યા પ્રમાણે તેઓને આ નોટીસ આપું છું કે, આ નોટીસ મળ્યાથી દિન-7માં સદરહું જમીન છોડી દેવા અન્યથા આપને આ જમીન પરથી ખસેડવામાં આવશે જેની તમામ જવાબદારી આપની રહેશે અને જંગલેશ્વરની સરકારી જમીનમાં થયેલા દબાણો તદન ગેરકાયદેસર સાબિત થયા છે.

