Rajkot, તા.6
રાજકોટ શહેરમાં નવરાત્રીના દિવસોમાં ડબલ ઋતુ અને વરસાદી વાતાવરણના કારણે રોગચાળો વધતો દેખાયો છે. પરંતુ કોર્પોરેશનના ચોપડે રોગચાળામાં ઘટાડો જાહેર થતો રહ્યો છે. છેલ્લા અઠવાડિયામાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયાનું જાહેર કરવા સાથે પણ ડેંગ્યુના ચાર નવા કેસ આવ્યા છે. જે સાથે ચાલુ 2025ના વર્ષમાં ડેંગ્યુએ ફિફટી ફટકારી દીધી છે. સપ્તાહમાં રોગચાળાના કુલ 1555 કેસ નોંધાયા છે.
આરોગ્ય અને મેલેરીયા શાખાએ જાહેર કરેલી વિગત મુજબ તા.29-9થી 5-10 સુધીના સપ્તાહમાં ડેંગ્યુના નવા ચાર કેસ આવતા આ વર્ષમાં કુલ દર્દીઓનો આંકડો 50 ઉપર પહોંચ્યો છે. તો મેલેરીયા અને ચીકનગુનીયાના કોઇ નવા કેસ આવ્યા નથી.
અઠવાડિયામાં શરદી-ઉધરસના 701, સામાન્ય તાવના 717, ઝાડા-ઉલ્ટીના 126 દર્દીની નોંધ થઇ છે. તો ટાઇફોઇડના 3 અને કમળો તાવના 4 નવા દર્દી ચોપડે ચડયા છે. મચ્છર ઉત્પતિમાં બેદરકારી બદલ 374 મિલ્કતધારકોને નોટીસ ફટકારવામાં આવી છે.
પાણીજન્ય રોગ અટકાયતી પગલાના ભાગરૂપે છેલ્લા એક અઠવાડિયામાં કુલ 493 કલોરીન ટેસ્ટ પણ કરવામાં આવ્યાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું જે તમામ સેમ્પલમાં કલોરીનની માત્રા મળી હોવાનું જાહેર કરાયું છે.
મહાપાલિકાએ જાહેર કરેલી વિગત મુજબ ડેંગ્યુ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વધુ જનસમુદાય હોય તેવા સ્થગળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. આરોગ્ય તંત્ર દ્વારા ડેંગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે.
વાહક નિયંત્રણની કામગીરી હેઠળ સપ્તાહ દરમ્યાન 30994 ઘરોમાં પોરાનાશક તથા ફિલ્ડવર્કરો દ્વારા 746 ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
ડેંગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો પર ચકાસણી કરીને બેદરકારી બદલ બાયલોઝ અંતર્ગત નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી ચાલુ છે.
જેમાં રહેણાક સિવાય અન્ય 542 મિલ્કતોમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવી હતી અને રહેણાંકમાં 182 અને કોર્મશીયલ 192 આસામીને નોટીસ આ5વામાં આવ્યાનું વિભાગે જણાવ્યું હતું.
પાણીજન્ય રોગોથી બચવા આટલું કરો
♦ પીવાના પાણીને ઉપયોગમાં લેતાં પહેલાં 20 મિનિટ સુધી ઉકાળવું અને ત્યારબાદ જ પીવું.
♦ પીવાના 20 લીટર પાણીમાં 1 ક્લોરીનની ગોળીનો ભૂકો કરીને દ્રાવણ બનાવીને નાખવું અને અડધા કલાક પછી જ પીવાના ઉપયોગમાં લેવું.
♦ તમામ ટાંકી, કુવા વિગેરે સાફ કરાવી તેમાં દરરોજ નિયત પ્રમાણમાં ટી.સી.એલ. (બ્લીચીંગ) પાવડરનું દ્રાવણ નાંખી ક્લોરીનેશન કરેલું પાણી જ પીવાના ઉપયોગમાં લેવું.
♦ ઘરોની આજુબાજુ ગંદકી કરવી નહી, કચરાનો યોગ્ય નિકાલ કરવો.
♦ ઠેર ઠેર એકઠાં થયેલા ઉકરડાનો નાશ કરવો અને ચૂનાના પાવડરનો છંટકાવ કરવો.
♦ વાસી ખોરાક અથવા પલડી ગયેલા અનાજનો ઉપયોગ કરવો નહી.
♦ ખાધ પદાર્થોને ઢાંકીને રાખવા, દૂધ ઉકાળીને પીવું.
♦ ઝાડા-ઉલ્ટીની અસર ધરાવતાં દર્દીને તાત્કાલિક ઓ.આર.એસ.નું દ્રાવણ પીવડાવો.
♦ નજીકના આરોગ્ય કર્મચારી અથવા સરકારી દવાખાનાનો સંપર્ક કરી યોગ્ય સલાહ-સારવાર લેવી.
♦ ક્લોરીન ટેબ્લેટની જરૂરીયાત હોય તો નજીકના શહેરી પ્રાથમિક કેન્દ્રનો સંપર્ક કરવો.