Rajkot, તા. 29
રાજકોટમાં ફરી ચોમાસુ માહોલ બંધાયો છે ત્યારે રોગચાળો વકરે તેવું લાગે છે. સિઝનલ રોગચાળાના કેસમાં કોઇ ઘટાડો નોંધાતો નથી ત્યારે ખતરનાક તાવ ડેંગ્યુના એક સાથે પાંચ કેસ આવતા મચ્છરોનો આતંક વધી રહ્યાનું દેખાવા લાગ્યું છે. છેલ્લા અઠવાડિયામાં રોગચાળાના નવા 17પપ કેસ નોંધાયા છે.
આજે આરોગ્ય અને મેલેરીયા શાખાએ જાહેર કરેલા સાપ્તાહિક આંકડા મુજબ તા.22-9થી ર8-9ના સપ્તાહમાં ડેંગ્યુના પાંચ કેસ એક સાથે આવ્યા છે. છેલ્લા ત્રણ અઠવાડિયાથી સતત ડેંગ્યુના કેસ આવી રહ્યા છે અને હવે તેમાં વધારો થયો છે. ચાલુ વર્ષમાં ડેંગ્યુના કુલ કેસનો આંકડો 46 ઉપર પહોંચ્યો છે. મેલેરીયા અને ચીકનગુનીયાના કોઇ કેસ નોંધાયા નથી.
ઉપરાંત શરદી-ઉધરસના 867, સામાન્ય તાવના 769, ઝાડા-ઉલ્ટીના 109, ટાઇફોઇડના બે અને કમળો તાવના 3 કેસ નોંધાયા છે. આ અઠવાડિયામાં મચ્છર ઉત્પત્તિ માટે બેદરકારી બદલ 300 રહેણાંક સહિત કુલ 402 આસામીને નોટીસ પણ ફટકારવામાં આવી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ડેંગ્યુ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વધુ જનસમુદાય હોય તેવા સ્થરળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે.
સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્5તિ ઘણી વધી જાય છે. આરોગ્યતંત્ર દ્વારા ડેંગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર આવશ્યક છે.
આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.22-9 થી તા.28-9 દરમ્યાન 34879 ઘરોમાં પોરાનાશક અને ફિલ્ડવર્કરો દ્વારા 925 ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી છે.
મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
શહેરમાં રહેણાક સિવાય અન્ય 411 મિલ્કતોમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવી હતી. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 300 અને કોર્મશીયલ 102 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે તથા 9 આસામી પાસેથી રૂા.4100નો વહિવટી ચાર્જ વસુલવામાં આવ્યાનું મેલેરીયા શાખાએ જણાવ્યું હતું.