Vadodara,,તા.19
ગૂડ ફ્રાઈડેની જાહેર રજા હોવા છતા શિક્ષણ કાર્ય ચાલુ રાખનાર વડોદરાના હરણી વિસ્તારની સિગ્નસ સ્કૂલ અને મકરપુરા વિસ્તારની ફિનિક્સ સ્કૂલને ડીઈઓ કચેરી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.
ડીઈઓ મહેશ પાંડેએ કહ્યું હતું કે, બંને સ્કૂલમાં ડીઈઓ કચેરીના અધિકારીઓની એક ટીમ જઈને તપાસ કરશે તેમજ આચાર્યો અને સંચાલકોની પૂછપરછ કરશે. એ પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગૂડ ફ્રાઈડેના દિવસે સિગ્નસ સ્કૂલ ચાલુ હોવાથી યુવક કોંગ્રેસના કાર્યકરોએ સ્કૂલ ખાતે જઈને હોબાળો કર્યો હતો.જોકે સ્કૂલ સંચાલકોએ પોલીસ બોલાવી લીધી હતી. આમ છતા સંચાલકોને સ્કૂલ છોડી દેવાની ફરજ પડી હતી. મકરપુરાની ફોનિક્સ સ્કૂલ તો ડો.આંબેડકર જયંતિ બાદ ગૂડ ફ્રાઈડેના દિવસે ચાલુ રહી હોવાથી કોંગ્રેસે ડીઈઓ કચેરીમાં ફરિયાદ કરી હતી.
જોકે નોટિસ આપ્યા બાદ આગળ શું કાર્યવાહી થશે તેના પર અત્યારથી સવાલો છે. કારણકે મોટાભાગના કિસ્સામાં ડીઈઓ કચેરીની કાર્યવાહી નોટિસથી આગળ વધતી નથી.