Gandhinagar, તા.1
ગુજરાતમાં એકાદ સપ્તાહથી માવઠા-કમોસમી વરસાદ સર્જી રહેલી અરબી સમુદ્રની ડીપ્રેશન સીસ્ટમ નબળી પડી ગઈ છે. આવતા ચોવીસ કલાકમાં વધુ કમજોર થશે. બીજી તરફ રાજયમાં માવઠાનો વ્યાપ પણ ઘટયો હોય તેમ છેલ્લા ચોવીસ કલાકમાં 141 તાલુકામાં હળવો-ભારે વરસાદ પડયો હતો.
હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે પુર્વમધ્ય અરબી સમુદ્રનું ડીપ્રેશન નબળુ પડીને વેલમાર્ક લો-પ્રેસરમાં પરિવર્તિત થઈ ગયુ છે તેને આનુસાંગીક સાયકલોનિક સરકયુલેશન 5.8 કી.મી.ની ઉંચાઈએ છે. જે પુર્વ-ઉતરપુર્વ તરફ દક્ષિણ ગુજરાત અને લાગુ ઉતર મહારાષ્ટ્ર તરફ આગળ ધપશે અને આવતા 24 કલાકમાં વધુ નબળુ થઈને લો-પ્રેસરમાં ફેરવાઈ જવાની સંભાવના છે.
આ સિવાય આંમાર કિનારા તથા લાગુ ઉતર આંદામાનમાં 5-8 કિમીની ઉંચાઈએ અપર એર સાયકલોનીક સરકયુલેશન છે તેના પ્રભાવ હેઠળ બંગાળની ખાડીમાં આવતા 48 કલાકમાં નવુ લો-પ્રેશર ઉદભવવાની સંભાવના છે.
દરમ્યાન ગુજરાતમાં આજે 141 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ સાડા-ત્રણ ઈંચ રાજુલામાં હતો. ઓકટોબર મહિનામાં રાજયમાં સરેરાશ વરસાદ 102.54 મીમી નોંધાયો છે. જયારે ચોમાસાથી અત્યારસુધીનો 127.57 ટકા થઈ ગયો છે.

