Kutch, તા. 12
પાકિસ્તાન સાથે યુધ્ધની સ્થિતિ હવે સીઝફાયરની જાહેરાત વચ્ચે સૌરાષ્ટ્રના સરહદી અને દરિયાકાંઠાના જિલ્લાઓમાં સ્થિતિ સામાન્ય થઇ રહી છે. બજારો રાબેતા મુજબ ખુલી છે. કચ્છમાં બ્લેકઆઉટ હટાવી દેવાયો છે. તો દ્વારકામાં લોકોને હાલ સ્વૈચ્છિક બ્લેકઆઉટ રાખવા અનુરોધ કરાયો છે.
રેન્જ આઇજીએ ગઇકાલે મોરબી જિલ્લાના નવલખી બંદરની મુલાકાત લઇ લોકોને જરૂરી સૂચના આપી હતી. જામનગર જિલ્લામાં પણ સ્થિતિ સામાન્ય બની છે. ગઇકાલે રવિવારે પણ ઘણી બજારો ચાલુ રહી હતી. દરિયાકાંઠે હજુ પેટ્રોલીંગ ચાલુ છે. તો કચ્છમાં પણ સ્થિતિ સામાન્ય થતા બ્લેકઆઉટ દુર કરાયો છે.
ભારત પાકિસ્તાન વચ્ચે હાલ સર્જાયેલી તણાવભરી પરિસ્થિતિને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા પ્રજાજોગ સંદેશ જારી કરીને જિલ્લામાં સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી બ્લેક આઉટની અમલવારી કરવા અપીલ કરવામાં આવી છે.
વર્તમાન ઉભી થયેલી પરિર્સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને સંભવિત આકસ્મિક આપત્તિને પહોંચી વળવા આગામી સૂચના ન મળે ત્યાં સુધી લોકોએ સૂયાર્ર્સ્ત પછી પોતાની ઘરની લાઈટો બંધ રાખવા તેમજ ઈન્વર્ટર, જનરેટરનો ઉપયોગ પણ ન કરવા વધુમાં જણાવ્યું છે. આ ઉપરાંત લોકોએ કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહી આ અંગેની માર્ગદર્શિકાનું પાલન કરવા પણ અપીલ કરાઈ છે.
આ સાથે ખંભાળિયાના વેપારીઓએ પણ રાત્રે 8 વાગ્યા પછી પોતાના ધંધા રોજગાર સ્વૈચ્છિક રીતે બંધ રાખી, બ્લેકઆઉટના આદેશમાં વહીવટી તંત્રને સહયોગ આપવા તેમજ ઘર અને બહારની લાઈટો બંધ રાખી, કામ સિવાય બહાર ન નીકળવા વેપારી મંડળ દ્વારા વેપારીઓ તેમજ નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.
પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને કેન્દ્રીય એજન્સીઓ તરફથી મળતી સૂચના અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર આર.એમ. તન્નાએ નાગરિકોને સાવચેત રહેવા અનુરોધ કર્યો છે.
જિલ્લામાં તમામ સ્થળોએ સાંજે બ્લેક આઉટ કરવામાં આવશે. જેમાં નાગરિકો સ્વયંભૂ રીતે જોડાઈને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ તેમજ વેપાર પ્રવૃતિઓ બંધ રાખવા અને બિનજરૂરી અવરજવર ન કરવા તથા સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
સાંજે સૂર્યાસ્ત સમયથી શરૂ થતાં બ્લેક આઉટ દરમ્યાન ઘરની તમામ લાઈટો બંધ કરી, લાઇટ બહાર ન જાય તેની તકેદારી રાખવા તેમજ આસપાસના વિસ્તારમાં પણ બ્લેક આઉટ રહે માટે સચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત આસપાસ કોઈ શંકાસ્પદ વ્યક્તિઓ અથવા શંકાસ્પદ પ્રવૃત્તિઓ થતી જણાય તો નાગરિકોએ જિલ્લા પોલીસ તંત્ર તથા વહીવટી તંત્રને જાણ કરવા અપીલ કરાઈ છે. જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરતા પ્રમાણમાં છે તેમજ કોઈપણ વ્યક્તિ ગેરમાર્ગે દોરાઈને કે અફવાઓમાં આવીને સંગ્રહખોરી ન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ સાથે જરૂર જણાય તો જિલ્લા વહીવટી તંત્રના ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 02833-232125, 232084, ટોલ ફ્રી નંબર 1077 અથવા મોબાઈલ નંબર 78599 23844 પર સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ થતાં કચ્છ જિલ્લામાં જનજીવન સામાન્ય થઈ ગયું છે. રવિવાર હોવા છતાં ભુજ, ગાંધીધામ અને અન્ય વિસ્તારોમાં બજારો ખુલ્યા છે અને લોકોની અવરજવર જોવા મળી રહી છે. ટ્રેનો પણ પોતાના નિર્ધારિત સમયે દોડી રહી છે.
કચ્છના જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું છે કે હાલ પરિર્ર્સ્થિતિ સામાન્ય છે અને કોઈ ચિંતાનું કારણ નથી. તેથી આજે બ્લેકઆઉટ કરવામાં આવશે નહીં. પણ, જો પરિસ્થિતિમાં અચાનક કોઈ બદલાવ આવશે. તાત્કાલિક બ્લેકઆઉટ લાગુ કરવામાં આવશે. હાલમાં તો જિલ્લામાં જનજીવન રાબેતા મુજબ ચાલુ રહેશે.
જિલ્લા મથક ભુજ અને ગાંધીધામ શહેરમાં આવતી-જતી તમામ ટ્રેનો નિયમિત રીતે ચાલી રહી છે. જો કે, ભુજ અને કંડલા એરપોર્ટ 14 મે સુધી બંધ રહેશે. સરકારી કામકાજસામાન્ય રીતે ચાલુ રહેશે. કચ્છ યુનિવર્સિટીમાં રદ કરાયેલી રજાઓનો નિર્ણય યથાવત રહેશે. સંઘર્ષ વિરામ બાદ રવિવાર હોવા છતાં કચ્છના મોટાભાગના વિસ્તારોમાં જનજીવન સામાન્ય જોવા મળ્યું હતું.
કેટલીક દુકાનો ખુલ્લી રહી હતી. રવિવારે કચ્છ, ગાંધીધામ કે આદિપુર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટનાના સમાચાર સામે ન આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.નડેશ્વરી માતાજીના મંદિરે ભક્તો દર્શન માટે આવી રહ્યા છે અને મંદિર બહારની દુકાનો પણ રાબેતા મુજબ ચાલુ જોવા મળી હતી. સરહદી ગામોમાં પણ સવારથી જ સામાન્ય જનજીવન જોવા મળ્યું હતું.ભુજમાં સુરક્ષાના કારણોસર હજુ કેટલીક સાવચેતી ચાલુ રહેશે. ભુજ એરપોર્ટ હજુ 14 મે સુધી બંધ રહેશે.
દ્વારકાના જગત મંદિરમાં રાત્રે 8થી સવારે 6 સુધી દર્શન બંધ રહેશે
દ્વારકાના જગત મંદિરને સાંજના 8 થી લઈને સવારે 6 સુધી બંધ રાખવાનો નિર્ણય વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જગત મંદિરની થતી નિત્યક્રમ પૂજા જગત મંદિર અંદર રાબેતા મુજબ કરવામાં આવશે. ફક્ત દર્શનાર્થીઓ ભગવાન દ્વારકાધીશના દર્શનનો લાભ ઓનલાઇન માધ્યમથી કરી શકશે. તેમ એક યાદીમાં જણાવાયું છે.