Dwarka,તા.૩૦
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં પણ સોમવારે મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. ગાજવીજ અને ભારે પવન સાથે વરસેલા ધોધમાર વરસાદને કારણે બપોર સુધીમાં સમગ્ર નગરીમાં પાણી ભરાઈ ગયા હતા. પરંતુ દ્વારકામાં વરસાદનું વિઘ્ન હોવા છતાં ભગવાન દ્વારકાધીશજીને બાવન ગજની ધ્વજા ચડાવવાની પરંપરા જાળવાઈ રહી હતી.
દ્વારકામાં ભગવાન દ્વારકાધીશજીને બાવન ગજની ધ્વજા ચડાવવાની પરંપરા વર્ષોથી જળવાઈ રહી છે. ત્યારે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, દ્વારકાના સુપ્રસિદ્ધ જગતમંદિરમાં ભગવાન શ્રી દ્વારકાધીશજીને નિયમિત રીતે ચડાવવામાં આવતી બાવન ગજની ધ્વજા, ભારે પવન અને વરસાદને કારણે તેના નિર્ધારિત સ્થળે ચડાવી શકાઈ નહોતી. જોકે, મંદિરના પૂજારી પરિવાર અને દેવસ્થાન સમિતિએ ત્વરિત નિર્ણય લઈને ધ્વજારોહણ માટે વૈકલ્પિક જગ્યા પસંદ કરી હતી. આથી, પ્રતિકૂળ હવામાન હોવા છતાં, ભગવાન દ્વારકાધીશજીને બાવન ગજની ધ્વજા ચડાવવાની પરંપરા જાળવી રાખવામાં આવી હતી. આ નિર્ણય ભક્તો માટે પણ આશ્વાસનરૂપ બન્યો હતો.