Gandhinagar તા.19
લાંબા વિરામ બાદ ફરી મેઘરાજા ગુજરાતમાં સક્રિય થયા છે. બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો, અને અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ દાંતામાં નોંધાયો છે, જ્યાં માત્ર બે કલાકમાં જ 4 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
આજે વહેલી સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન બે કલાકમાં બનાસકાંઠાના દાંતામાં 3.66 ઇંચ, પાલનપુરમાં 2.09 ઇંચ, લાખણીમાં 1.38 ઇંચ, ધાનેરામાં 1.6 ઇંચ, વડગામમાં 1.94 ઇંચ, અમીરગઢમાં 0.79 ઇંચ, થરાદમાં 0.63 ઇંચ, દાંતીવાડા અને ભાભરમાં 0.47 ઇંચ વરસાદ નોંધાયો છે. જો રાજ્યના અન્ય ભાગોની વાત કરવામાં આવે તો 36 તાલુકામાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ છે.
દાંતા ઉપરાંત દાંતીવાડા અને પાલનપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને જનજીવન પ્રભાવિત થયું હતું.