Kabul,તા.1
અફઘાનીસ્તાનમાં ગઈકાલે રાત્રીના છ ની તીવ્રતા સાથેના આવેલા ભયાનક ભૂકંપે પૂર્વીય અફઘાનીસ્તાનમાં તબાહીના દ્રશ્યો સર્જી દીધા છે અને અનેક ગામડાઓમાં હજારો મકાનો ભૂકંપના કારણે ધસી પડતા છેલ્લા સમાચાર મુજબ મૃત્યુઆંક 610નો થયો છે અને 1300થી વધુ ઘાયલ છે તો હજુ સેંકડો લોકો કાટમાળ હેઠળ ફસાયા હોવાના અહેવાલ છે જેથી મૃત્યુઆંક અત્યંત ઉંચો જઈ શકે છે.
આ ભૂકંપ ગઈકાલે રાત્રે સ્થાનીક સમય મુજબ 11.47 કલાકે આવ્યો હતો. ફકત આઠ કી.મી.ની ત્રિજયામાં જ આ ભૂકંપની અસર હતી જેના કારણે તેનાથી વિનાશ અત્યંત વધી ગયો છે. અફઘાનીસ્તાનના બીજા નંબરના મોટા શહેર જલાલાબાદથી ફકત 27 કી.મી. દુર નંગરહાર પ્રાંતમાં આ ભૂકંપનું ભૂમિબિંદુ જમીનમાં 8 કી.મી. ઉંડે છે.
પાકિસ્તાનની સીમા નજીક જ આવેલા ભૂકંપના કારણે પાકના ઈસ્લામાબાદ સહિતના શહેરોમાં પણ તેની તીવ્રતા વર્તાઈ હતી. જેમાં અત્યાર સુધીમાં 610 લોકોના મૃત્યુ થયાનું બહાર આવ્યુ છે અને હજુ સેંકડો કાટમાળ હેઠળ દબાયેલા છે.
રાત્રીના આવેલા ભૂકંપથી મૃત્યુઆંક અત્યંત ઉંચો જવાની શકયતા છે. જલાલાબાદ એ અફઘાનીસ્તાનનું વ્યાપારીક પાટનગર ગણાય છે અને તેની નજીક જ આવેલા ભૂકંપથી અફઘાનીસ્તાનમાં અસર થશે તેવું માનવામાં આવે છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.