ભારે પવનને કારણે તંત્રએ સહેલાણીઓ અને માછીમારોને દરિયાકાંઠે ન જવાની સૂચના આપી છે
Devbhoomi Dwarka, તા.૨૪
આજે ભાદરવા માસની શરુઆતમાં જ આખા ગુજરાત વરસાદી માહોલે જોર પકડ્યું છે, ત્યારે અરબી સમુદ્રની તટે સ્થિત દેવભૂમિ દ્વારકાના દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગોમતી ઘાટ, સંગમ ઘાટ અને લાઇટ હાઉસ સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં ૧૫થી ૨૦ ફૂટ ઊંચા મોજાં ઉછળતા જોવા મળ્યા છે. ભારે પવન અને તોફાની કરંટના કારણે દરિયો ગાંડો થયો હોય તેવું દૃશ્ય સર્જાયું છે.
દ્વારકાના દરિયામાં ભારે કરંટ અને તોફાની પવનના કારણે ૧૫થી ૨૦ ફૂટ ઊંચા મોજાં ઉછળી રહ્યા છે. ગોમતી ઘાટ અને સંગમ ઘાટ જેવા પ્રસિદ્ધ સ્થળો પર દરિયાએ આક્રમક સ્વરૂપ ધારણ કર્યું છે, જ્યાં સહેલાણીઓ પણ વરસાદ સાથે ગાંડાતૂર બનેલા દરિયાનો નજોરા જોવા ઉમટી પડ્યા છે. જોકે કોઈ દુર્ઘટના ન બને તે માટે તંત્રએ પહેલેથી જ સાવચેતીના પગલા ભરી જરુરી વ્યવસ્થા ઉભી કરી દીધી છે. દ્વારકા એક પ્રસિદ્ધ યાત્રાધામ હોવાથી, ગોમતી ઘાટ અને સંગમ ઘાટ જેવા સ્થળો પર સહેલાણીઓ અને શ્રદ્ધાળુઓની ભીડ રહે છે. જોકે, ભારે કરંટ અને ઊંચા મોજાંના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે દ્વારકા જિલ્લા તંત્રએ પણ સહેલાણીઓ અને સ્થાનિક લોકોને દરિયાકાંઠે ન જવા સ્પષ્ટ સૂચના આપી છે. આ ઉપરાંત, માછીમારોને પણ દરિયો ન ખેડવાનો આદેશ આપવામાં આવ્યો છે અને સ્થાનિક તંત્રએ દરિયાકાંઠે સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલમાં પડેલા વરસાદના હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પર નજર મારીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં (૨૩-૨૪ ઓગસ્ટ) સૌથી વધુ વરસાદ ૧૨૭ સ્સ્ એટલે કે ૫ ઈંચ જેટલો વરસાદ ભાણવડમાં જ નોંધાયો છે, જેના કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ પહેલા ભારે વરસાદને કારણે રાવલ કલ્યાણપુર પંથક પણ જળબંબાકારની થયું હતું. જેનો આકાશી નજારો પણ આમે આવ્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજથી આગામી ૩૦મી ઓગસ્ટ એટલે કે એક અઠવાડિયા સુધી રાજ્યાના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ખાસ દ્વારકા જિલ્લામાં આવતીકાલે ૨૫ ઓગસ્ટે અને ૨૯ ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેથી ગુજરાતના દરિયાકાંઠા પર ત્રણ નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે અને માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.