Rajkot, તા.26
ધોરાજી-ઉપલેટા તાલુકામાં અતિવૃષ્ટિ, મેઘવર્ષાના કારણે જનજીવન ત્રાહિમામ પોકારી ગયું છે. બધા મેઘરાજાને ખમૈયા કરો એવી વિનવણી કરી રહ્યા છે. આવી વિકટ પરિસ્થિતિમાં ઉપલેટા તાલુકાની કલેક્ટરે મુલાકાત લીધી છે, પણ ધોરાજી તાલુકામાં એક પણ અધિકારી ન ફરકતાં તેમજ ધોરાજીમાં મળેલી બેઠકમાં ગ્રામ્ય આગેવાનો સાથે વિચાર વિનિમય ન કરાતાં તેમજ મીડિયા કર્મચારીઓને બેઠકમાં આમંત્રિત ન કરાતાં નીંભર અને સંવેદનાહિન તંત્ર સામે ભારે નારાજગી વ્યક્ત થઈ છે.
ધોરાજી તાલુકાના છાડવા વદરમાં 58 ઇંચ અને ચીચોડ ગામમાં 5 દિવસમાં 80 ઇંચ વરસાદ વરસવા છતાં નથી મામલતદાર ફરક્યા, કે નથી ધારાસભ્ય કે ડે. કલેક્ટર !, જનતાને આશ્વાસનના બે શબ્દ કહેવામાંથી પણ આ બધા નામુક્કર ગયા છે. આજની તારીખે ધોરાજી-ઉપલેટા તાલુકાના અનેક ગામો વિખૂટા પડી ગયા છે. સીમ વગડે જવાના રસ્તાઓ ધોવાઈ ગયા છે.
આ મુદ્દે સરકારે તાત્કાલિક ધોરણે આ વિસ્તારની નોંધ લઈ સર્વે કરવો જોઈએ. હાલની પરિસ્થિતિમાં સરકાર ખેડૂતોને જો પ્રત્યેક વીધે 20,000 રૂપિયાની સહાય કરે તો પણ ભેગું થાય તેવી હાલત નથી. તમામ ખેતરોના રસ્તા પણ ધોવાઈ ગયા છે, એક પણ વાહન જઈ શકે તેવી સ્થિતિ નથી.
સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાઈ હતી
ગત 23 જુલાઈ(સોમવાર)ના રોજ ઉપલેટા પંથકના ગામોમાં મેઘરાજાએ છપ્પરફાડ બેટિંગ કરતાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાઈ હતી. 10થી 15 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. લાઠ, ભીમોરા, સમઢીયાળા, મજેઠી, ગણોદ સહિતના ગામો અતિભારે વરસાદના પગલે બેટમાં ફેરવાયા હતા. લાઠ, ભીમોરા, સમઢિયાળા ગામમાં સર્વત્ર કેડ સમા પાણી ભરાઈ ગયા હતા. રસ્તા જાણે નદી બની ગયા હતા. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરીને નુકસાન થયું હતું. ખેતરો પણ તળાવ બની ગયા હતા.
ઉપલેટા તાલુકાના લાઠમાં 15 ઇંચ, ભીમોરામાં 12 ઇંચ, સમઢીયાળામાં 13 ઇંચ, મજેઠીમાં 12 ઇંચ, ગણોદમાં 12 ઇંચ, નાગવદરમાં 10 ઇંચ, મેખટીંબીમાં 5 ઇંચ, મોટી પાનેલીમાં 6 ઇંચ, ગઢાળામાં 5 ઇંચ જેટલો વરસાદ પડતાં આ ગામો જળબંબાકાર બની ગયા હતા.12 ઇંચ વરસાદ પડતાં ભીમોરા ગામ જળબંબાકાર બની ગયું હતું. જયારે સમઢીયાળામાં પણ સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
જ્યારે ઉપલેટા વિસ્તારની જીવાદોરી સમાન મોજીરા ગામ પાસે આવેલો મોજ ડેમ ઉપરવાસના ભારે વરસાદના પગલે 14 ફૂટ ઉપર ઓવરફલો થતાં ડેમના 10 દરવાજા પાંચ ફૂટ ખોલવામાં આવ્યા હતા તથા ડેમની નીચે આવતાં ગામોને સાવચેત કરવામાં આવ્યા હતા.
લાઠ ગામમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો
21 જુલાઈએ લાઠ ગામમાં બે કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબકતાં રસ્તા જાણે નદી બની ગયા હતા. રાજકોટના ઉપલેટાના લાઠ ગામમાં ત્રણ કલાકમાં 12 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. અતિભારે વરસાદને પગલે ગામ જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવી સ્થિતિ ઊભી થઈ હતી. અનેક રસ્તા, ઘરો અને દુકાનોમાં પાણી ભરાયા હતા.