New Delhi,તા.06
ભારતીય ક્રિકેટ ટીમમાં મોટો બદલાવ આવ્યો છે. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની વન-ડે અને T20 ટીમોની જાહેરાત કરી છે, જેમાં યુવા બેટર શુભમન ગિલને વન-ડે ટીમનો નવો કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત પૂર્વ કૅપ્ટન રોહિત શર્મા હવે માત્ર એક બેટર તરીકે વન-ડે ટીમમાં રમશે. જો કે, રોહિતે કૅપ્ટનશીપ છોડી દીધી છે કે તેને હટાવવામાં આવ્યો છે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ટીમની જાહેરાત દરમિયાન ચીફ સિલેક્ટર અજિત અગરકરના નિવેદને સંકેત આપ્યા હતા કે, રોહિતને કૅપ્ટનશીપમાંથી હટાવવામાં આવ્યો હોઈ શકે છે. પ્રેસ કોન્ફરન્સમાં અજિત અગરકરે કહ્યું હતું કે,’ત્રણેય ફોર્મેટ માટે ત્રણ અલગ અલગ કૅપ્ટન રાખવા વ્યવહારીક રીતે અશક્ય છે. વન-ડે ક્રિકેટ હાલમાં સૌથી ઓછું રમાતું ફોર્મેટ છે. અમારું ધ્યાન આગામી T20 વર્લ્ડ કપ પર છે. અમે ગિલને એડજસ્ટ થવા માટે સમય આપવા માંગીએ છીએ.’
રોહિત શર્મા અને વિરાટ કોહલીને વન-ડે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જો કે, તેમની ભવિષ્યની યોજનાઓ વિશે અજિત અગરકરે કહ્યું હતું કે, ”રોહિત શર્મા અને વિરાટ કોહલી બંનેએ 2027 વર્લ્ડ કપ અંગે કોઈ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી નથી.’
બંને ખેલાડીઓની ફિટનેસ અંગે અજિત અગરકરે કહ્યું હતું કે, ‘વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટીમમાં જોડાવા માટે બધી જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરી લીધી છે. અમે હંમેશા પસંદ કરેલા ખેલાડીઓના નામ સેન્ટર ઑફ એક્સેલન્સ(COE)ને મોકલીએ છીએ અને તેમની ફિટનેસની પુષ્ટિ કરીએ છીએ.’
શુભમન ગિલને ODI કૅપ્ટન બનાવવાનો આ નિર્ણય ભારતીય ક્રિકેટના નેતૃત્વમાં યુવા પેઢી તરફ સંક્રમણને દર્શાવે છે, જ્યારે T20 ફોર્મેટ પર પસંદગીકારોનું મુખ્ય ધ્યાન રહેશે.