New Delhiતા,01
દેશની સર્વોચ્ચ અદાલતે ફરી એક વખત પોસ્કો જેના ગંભીર અપરાધ કલમો સાથેના કેસમાં `ન્યાય’ના હેતુને આગળ ધરી સગીર પર બળાત્કાર કેસમાં હવે પતિ-પત્ની બની સુખી લગ્ન જીવન જીવી રહેલા યુગલના જીવનમાં નવો ઝંઝાવાત સર્જવાની જરૂર નથી તેમ કહી એક વ્યક્તિની 10 વર્ષની જેલ સજા રદ કરી હતી. સર્વોચ્ચ અદાલતે એ પણ નિરીક્ષણ વ્યક્ત કર્યુ કે આ ફકત એક સમયે સર્જાયેલી વાસના નહી પણ બન્ને જયારે સગીર હતા તે સમયના પ્રેમનો મામલો છે.
સુપ્રીમકોર્ટે આ ચુકાદામાં `ન્યાય’માં સિદ્ધાંત માટે જે રીતે સર્વોચ્ચ અદાલતને બંધારણની કલમ 142 હેઠળ જે ખાસ સતા મળી છે તેના ઉપયોગ કર્યો હતો. કોર્ટે નોંધ્યું કે પોકસો જેવા કેસમાં ફકત `સમાધાન’ થઈ ગયું છે તેજ કારણે ગંભીર ફોજદારી આરોપો પડતા મુકી શકાય નહી પણ આ કેસમાં તેનાથી પણ આગળ છે.
ભોગ બનનાર ટીનએજ હવે યુવા મહિલા બની છે અને આરોપી સાથે લગ્ન કર્યા છે અને તેઓને એક સંતાન છે. ફકત આ અપરાધ સમયે છોકરી સગીર હતી અને તેથી પોકસોનો કેસ બન્યો છે અને આરોપી છોકરાને 10 વર્ષની જેલસજા થઈ હતી પણ તેઓએ રાજીખુશીથી કુટુંબની સહમતી સાથે લગ્ન કર્યા છે.
કાનુનની દ્રષ્ટીએ આરોપી દોષીત છે પણ જો કાનૂન તે `જડ’ રીતે લાગું કરાય તો તે અન્યાય બની જશે. સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ દિપાંકર દતા અને ન્યાયમૂર્તિ યોગસ્ટીન જયોર્જ મસીહની ખંડપીઠે કહ્યું કે અમો એ માનવા મજબૂર છીએ કે `ન્યાય’ માટે કાનૂને પણ ઝૂકવું જોઈએ.
આ કેસની સુનાવણી સમયે `પત્ની’ એ કહ્યું કે તે તેના પતિ (આ કેસના આરોપી) અને બાળક સાથે ખુશ છે અને તેઓ સામાન્ય-સુખી જીંદગી જીવી રહ્યા છે. સુપ્રીમકોર્ટે સમક્ષ તે મુદો પણ હતો કે અપરાધ ગંભીર છે અને તેમાં ફકત સમાધાનની ભૂમિકાના આધારે જ કાર્યવાહી રદ થવી જોઈએ નહી પણ પત્નીની કરૂણા, સહાનુભૂતિની માંગને નજર અંદાજ કરવાથી ન્યાય કરી શકાશે નહી.
કોર્ટે સ્વીકાર્યુ કે છોકરાને જેલમાં રાખવાથી તેના પરિવાર-પિડિત અને તેના પુત્રને વ્યાપક સહન કરવું પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ખાસ કેસમાં જયાં બધુ સાબીત થતું હોય તેવા ગંભીર અપરાધોમાં દયામણું અને ન્યાય પણ મહત્વના બની જાય છે તથા માલ સંજોગો અને પરીસ્થિતિને જોઈને વ્યવહારીક-સહાનુભૂતિ ને જોડીને એક વ્યવહારુ દ્રષ્ટિકોણ અપનાવવો જરૂરી છે.
ઉપરાંત આ અપરાધમાં વાસના નહી પ્રેમનું પરિણામ છે અને પીડિતે ખુદે શાંતિપૂર્ણ-સ્થિર પારિવારિક જીવન જીવવાની ઈચ્છા દર્શાવી છે જે તેના પતિ પર નિર્ભર છે તે નથી ઈચ્છતી કે પતિના માથા પર અપરાધીનો દાગ લાગે.
જો કે કોર્ટે આરોપ મુક્ત કરતા સમયે કેટલીક શરતો પણ મુકી હતી કે તેણે પત્ની-બાળકોને કદી એકલા છોડવા જોઈએ નહી અને તેને સન્માન સાથે રાખવાના રહેશે અને ભવિષ્યમાં પતિ તરફથી કોઈ ચૂક તેમાં થશે તો તેના પત્ની-બાળકની ફરિયાદ પરથી પતિ માટે તે યોગ્ય ગણાશે નહી અને અદાલતી કાર્યવાહી થશે.
સુપ્રીમકોર્ટે એ પણ નોંધ્યુ કે પ.બંગાળની આ યુવતીએ એકલા હાથે પતિને જેલમાંથી જતા બચાવવા લડાઈ લડી હતી. જેથી તેના પતિને જેલમાંથી છોડાવી શકે. અદાલતે નોંધ્યું કે સમાજ-પરિવાર અને કાનુની વ્યવસ્થા દ્વારા પહેલાથી જ પીડા ભોગવી ચુકેલ મહિલાને હવે વધુ અન્યાય થવા દેવો જોઈએ નહી.

