Bengaluru, તા.23
હેબ્બલમાં રહેતો 39 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરે તાજેતરમાં ડિજિટલ એરેસ્ટનો શિકાર બન્યો હતો અને તેણે 11.8 કરોડ રૂપિયા ગુમાવ્યાં હતાં. તેને નોર્થ-ઈસ્ટ ક્રાઈમ પોલીસને જણાવ્યું હતું કે, તેને 25 નવેમ્બર અને 12 ડિસેમ્બરની વચ્ચે પૈસા ગુમાવ્યાં હતાં. તેને 11 નવેમ્બરે સવારે એક કોલ આવ્યો હતો. ફોન કરનારે પોતાનો પરિચય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારી તરીકે આપ્યો હતો.
તેને કહ્યું હતું કે, તેનાં નામ પર મેળવેલ સિમ કાર્ડનો ઉપયોગ ગેરકાયદેસર જાહેરાતો અને સંદેશા માટે કરવામાં આવ્યો હતો. છેતરપિંડી કરનારે તેને કહ્યું હતું કે સિમ કાર્ડ મેળવવા માટે તેનાં આધારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, તેઓએ સિમને બ્લોક કરવાની પ્રક્રિયા શરૂ કરી છે અને મુંબઈનાં કોલાબા સાયબર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
બાદમાં અન્ય એક બદમાશએ પોલીસ અધિકારી હોવાનો દાવો કરીને તેનો સંપર્ક કર્યો હતો. છેતરપિંડી કરનારે કહ્યું કે, તેનાં આધારનો ઉપયોગ મની લોન્ડરિંગ માટે બેંક ખાતા ખોલવા માટે કરવામાં આવ્યો હતો. તેઓએ તેને ચેતવણી આપી હતી કે જો તે વર્ચ્યુઅલ તપાસમાં સહકાર નહીં આપે તો તેઓએ તેની ધરપકડ કરવામાં આવશે.
25 નવેમ્બરના રોજ, અન્ય એક નકલી પોલીસ અધિકારીએ સ્કાયપે પર તેનો સંપર્ક કર્યો અને દાવો કર્યો કે તેમની સામેના કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે અને સુનાવણી પૂર્ણ કરવાની જરૂર છે. જો તે સુનાવણીનું પાલન નહીં કરે તો તેને અને તેનાં પરિવારજનોની ધરપકડ કરવામાં આવશે.
બાદમાં, તેઓએ તેમને કહ્યું કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની માર્ગદર્શિકા અનુસાર, તેમને તેમનાં બેંક ખાતાના વ્યવહારો ચકાસવાની જરૂર છે અને તેમનાં દ્વારા ચકાસણી માટે આપવામાં આવેલાં ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર કરવાની સૂચના આપી હતી.
ધરપકડના ડરથી પિડીતે પહેલાં બેંક ખાતામાં 75 લાખ રૂપિયા અને બાદમાં 3.41 કરોડ રૂપિયા બીજા ખાતામાં ટ્રાન્સફર કર્યા.12 ડિસેમ્બર સુધીમાં, તેણે છેતરપિંડી કરનારાઓ દ્વારા પ્રદાન કરવામાં આવેલાં વિવિધ ખાતાઓમાં 11.8 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતાં.
જેમ જેમ છેતરપિંડી કરનારાઓએ માંગણીઓ વધી તેમ તેને સમજાયું કે તે સાયબર છેતરપિંડીનો શિકાર બન્યો છે અને તે 12 ડિસેમ્બરે પોલીસ પાસે ગયો હતો. પોલીસે જણાવ્યું કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા કલમ 318 અને 319 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને હાલ તપાસ ચાલું છે.