Vadodara, તા.20
ગુજરાત સહિત દેશભરમાં સાઈબર માફીયાઓ દ્વારા વ્યક્તિઓને ડીજીટલ એરેસ્ટ કરીને લાખો-કરોડો રૂપિયા પડાવવાના કેસ વધી રહ્યા છે ત્યારે વડોદરામાં ડીજીટલ એરેસ્ટથી ભયભીત ખેડુતે આપઘાત કરી લેતા સનસનાટી મચી છે. 40 કરોડના ફ્રોડમાં નામ ખુલ્યાની ધમકી આપીને આખો દિવસ ડીજીટલ એરેસ્ટ રાખ્યા બાદ વ્હેલી સવારે ઝેર પીને આપઘાત કરી લીધો હતો.
વડોદરા જિલ્લાના કાયાવરોહણમાં કાકા રામના ફળિયામાં રહેતા અને ખેતીકામ કરતા 65 વર્ષીય અતુલભાઈ હિરાભાઈ પટેલને અજાણ્યા ભેજાબાજોએ દિલ્લી ATSના નામે ફોન કરી તેમના બેંક એકાઉન્ટમાં રૂ. 40 કરોડના ફ્રોડ અંગે તપાસ ચાલી રહી હોવાનું કહી ધમકાવ્યા હતા. ત્યારબાદ તેમને એક દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રાખવામાં આવ્યા હતા.
સતત દબાણ અને ભયના કારણે અતુલભાઈએ ઘરે જ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. પરિવારજનોને આ ઘટનાની પાછળ કોઈ મોટી છેતરપિંડી છુપાયેલી હોવાની શંકા થતાં તેમણે અતુલભાઈના ફોનમાં આવેલા નંબર પર સંપર્ક કર્યો હતો. ભેજાબાજે આઈકાર્ડ મોકલી પોતે એન્ટિ ટેરેરિસ્ટ સ્કવોડનો ઇન્સ્પેક્ટર ગૌરવ ગ્રોવર હોવાનું દાવો કર્યો હતો.
ખેડૂતના મોત બાદ સમગ્ર કાયાવરોહણમાં શોકનો માહોલ છે. પરિવારજનોનું કહેવું છે કે ATS અને 40 કરોડના ફ્રોડની ધમકીએ અતુલભાઈને ભયભીત કરી દીધા હતા. મૃતકના સંબંધીએ જણાવ્યું કે, તેમને દર 5 મિનિટે કોલ કરાતા અને ઘરની બહાર નીકળતા નહીં કહી ધમકાવતા હતા. તેમને એક આખો દિવસ ડિજિટલ એરેસ્ટ રખાયા હતા. જેના કારણે તેઓ ગભરાઈ ગયા હતા અને આ પગલું ભર્યું હતું.

