આજના આધુનિક યુગમાં દરેક વેપારી પોતાનો ધંધો-રોજગાર વધારવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. હવે જામનગરના પાન-મસાલાના વેપારીઓએ પણ વધતી ટેક્નોલોજીની સાથે વેપારમાં નવીનતા લાવી છે. જામનગરમાં હવે ‘માવા એટીએમ’ શરૂ કરવામાં આવ્યું છે! હા, જેમ એટીએમમાંથી પૈસા ઉપાડી શકાય છે તેમ હવે એટીએમમાંથી મસાલા પણ મેળવી શકાશે. જેનું નામ ‘એની ટાઈમ માવો’ એવો અર્થ કરવામાં આવી રહ્યો છે.
જામનગરમાં એક વેપારીએ દુકાનની બહાર એક ખાસ મશીન સ્થાપિત કર્યું છે. જ્યાંથી ગ્રાહકો ઓનલાઇન પેમેન્ટ કરીને માવો મેળવી શકે છે. આ મશીન ચોવીસે કલાક રાઉન્ડ ધ ક્લોક ઉપલબ્ધ છે. એટલે કે દુકાન બંધ હોય, વરસાદ હોય કે, વહેલી સવાર કે મોડી રાત હવે માવાના શોખીનો માટે કોઇ સમયનું બંધન નહી રહે.
વેપારીની આ નવી પહેલથી ગ્રાહકોને સરળતા અને તેમની સુવિધા મુજબ માવો ઉપલબ્ધ થઈ શકશે. મશીનમાં ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમ હોવાથી વ્યાપારી માટે વેચાણમાં વધારો પણ થયો છે. વેપારીઓ નવી ટેક્નોલોજી વિકસાવી નવી દિશામાં આગળ વધી તેમનો વેપાર વધારી રહ્યા છે. આ પહેલા પણ આ વેપારીએ દુકાનમાં મિશ્રણ મશીન, સોડા મશીન અને સી.સી.ટી.વી કેમેરા જેવી આધુનિક સુવિધાઓ લગાવી હતી. હવે ‘માવા એ.ટી.એમ’ દ્વારા તેઓએ વધુ એક નવી ટેક્નોલોજી વિકસાવી છે.
જામનગર શહેરના હરિયા કોલેજ રોડ પર આવેલા પાન પાર્લરના સંચાલકે જણાવ્યું છે કે, મારી દુકાન બંધ હોય છતાં પણ મારા ગ્રાહકોને કાચી રફ 138 પાર્સલ માવો રાઉન્ડ ધ કલોક ગમે ત્યારે મળી જશે. ગ્રાહકો રૂ. 20 સ્કેનરમાં નાખશે તો 1 માવો મળશે, એજ પ્રમાણે 40 રુપિયા નાખશે તો 2 માવા મળી જશે તેમજ 100 રુપિયા તો ૫ માવા મળી જશે. આ એટીએમ માવા મશીનની કિંમત 30 હજાર રુપિયા છે અને જામનગરની બજારમાં આવેલા પાન પાર્લર પર આ એટીએમ ઉપલબ્ધ છે.