New Delhi,તા.15
કાશ્મીરમાં સહેલાણીઓની મોસમના પ્રારંભે જ 22 એપ્રીલના થયેલા પહેલગામ હુમલા જેમાં નામ અને ધર્મ પૂછી 26 હિન્દુઓની હત્યા કરવામાં આવી હતી તેમાં પાકિસ્તાનની સરકાર અને સૈન્યની સીધી સંડોવણીનો ઘટસ્ફોટ થયો છે.
એટલું જ નહીં આ હુમલાનું સમગ્ર આયોજન અને તેનું મોનીટરીંગ પણ પાકિસ્તાનની જાસુસી એજન્સી દ્વારા કરવામાં આવ્યું હતું અને આ હુમલા પૂર્વ પાકિસ્તાનના સૈન્ય વડા જનરલ અસીમ મુનીર એ જે રીતે હિન્દુઓને ટાર્ગેટ કરીને વિધાનો કર્યા હતા તે પણ આ હુમલાની પૂર્વ તૈયારીના સંકેત હતા. આમ પહેલગામનું સત્ય બહાર આવતા જ પાકિસ્તાન હવે પૂરી રીતે ઘેરાઈ ગયું છે.
સલામતી બાબતો સાથે સંકળાયેલા ટોચના સુત્રોએ આ માહિતી આપતા જણાવ્યું કે પાકિસ્તાનની જાસુસી એજન્સી આઈએસઆઈએ લશ્કર એ તોયબાના મારફત આ હુમલો કરાવ્યો હતો પરંતુ મહત્વપૂર્ણ એ છે કે પહેલગામ હુમલો તે પાકિસ્તાનની ટોચના રાજકીય અને લશ્કરી નેતૃત્વના સીધા આદેશથી થયો હતો.
જે રીતે 26/11ના મુંબઈ હુમલામાં પુરી રીતે પાકિસ્તાન સરકાર અને તેની જાસુસી એજન્સી તથા પાક સૈન્યની ભૂમિકા હતી તેવીજ ભૂમીકા પણ પહેલગામ હુમલામાં ખુલી છે. સૌથી મહત્વનું એ હતું કે કાશ્મીરની ભૂમિ ઉપર હાલ સક્રિય એક માત્ર વિદેશી ત્રાસવાદી અને લશ્કર એ તોયબાના કમાન્ડર સાજીદ જટ્ટને આ હુમલાની જવાબદારી સોંપાઈ હતી.
તે પણ જણાવાયું હતું કે, સમગ્ર હુમલામાં સ્થાનીક સ્તરે કોઈની મદદ લેવામાં આવશે નહીં અને પૂરી રીતે પાકિસ્તાની ત્રાસવાદીઓ જે જમ્મુ કાશ્મીરમાં સક્રિય છે તેને જ આ હુમલા માટે પસંદ કરાયા હતા. સ્થાનિક સ્તરે ઓછામાં ઓછી સહાયતા લેવી પડે તે નિશ્ચિત કરાયું હતું. અને સમગ્ર હુમલાનું નેતૃત્વ પાકિસ્તાની સ્પેશ્યલ ફોર્સના કમાન્ડો જેને પાક પંજાબના લશ્કરે તોયબાના કેમ્પમાં હાજર રહીને તમામને તાલીમ પણ આપી હતી.
ટાર્ગેટ હીટ સ્કોડ તૈયાર ક્રી હતી. તે સુલૈમાનની પણ ઓળખ નિશ્ચિત થઈ ગઈ છે. આ હુમલામાં સેટેલાઈટ ફોનનો ઉપયોગ કરાયો હતો. અને તા.15ના રોજ સુલૈમાન કાશ્મીરના ત્રાલના જંગલમાં પહોંચી ગયો હતો.
તેણે હુમલાના સ્થળની પણ મુલાકાત લીધી હતી. અગાઉ એપ્રીલ 2023માં કાશ્મીર પુંછ વિસ્તારમાં જે રીતે ભારતીય સેનાના એક ટ્રકને ઉડાવી દેવામાં આવ્યો હતો અને પાંચ જવાનો શહીદ થયા હતા તેમાં પણ સુલૈમાનની ભૂમિકા ખુલી છે. બે વર્ષ નિસ્ક્રીય રહ્યા બાદ ફરી એકશનમાં આવ્યો હતો.
જમ્મુ કાશ્મીર પોલીસે પાકિસ્તાની ત્રાસવાદી હાસીમ મુસા તથા અલીભાઈની પણ આ હુમલામાં ભૂમિકા હોવાનું શોધી કાઢયું છે. પરંતુ લોકલ ત્રાસવાદી આદીલ હુસેનને સમગ્ર હુમલાથી દૂર રખાયો હતો. પોલીસે જે બે લોકલ ત્રાસવાદી સ્લીપર સેલના લોકોની ધરપકડ કરી હતી તેમની ભૂમિકા પણ સાવ નાની હતી.
તેઓએ પાકિસ્તાની ત્રાસવાદીઓ માટે ભોજન તથા છુપાવવાનું વ્યવસ્થા કરી હતી અને તેના બદલામાં થોડા હજાર રૂપિયા મેળવ્યા હતા. વાસ્તવમાં તેમને પહેલગામ હુમલાની કોઈ જાણકારી ન હતી. સમગ્ર ખીણ વિસ્તારમાં હાલ 68થી વધુ વિદેશી અને ત્રણ લોકલ ત્રાસવાદી સક્રિય છે.