મિત્રની ઇકો કાર મેળવી બનેવીને ઈરાદાપૂર્વક ઠોકરે ચડાવી મોતને ઘાટ ઉતારી દેનારની ધરપકડ
Una,તા.25
ઉના શહેરનાં જી.ઈ.બી. સોસાયટીમાં રહેતાં વિકલાંગ શખ્શ તેનાં કોડીનારનાં વેલણ ગામે રહેતાં બનેવી સાથે ગત ૨૦ એપ્રિલના પરીવારજનો સાથે ગીરનાં જંગલ વિસ્તારમાં આવેલ કનકાઈ માતાજીના મંદીરે દર્શન કરવા ગયો હતો. આ વખતે સાળાને વડીલોએ ના પાડવા છતાંય જંગલમાં કચરો ફેંકતા ઠપકો આપતાં ગુસ્સે ભરાયો હતો. જે બાદ સાળાને બનેવીએ ગાડીમાંથી ઉતારી મુક્યો હતો. જે બાદ સાળો બસ મારફતે ઉના આવી ગયેલ હતો અને મિત્રની ઇકો કાર મેળવી કાર પુરપાટ દોડાવી રોડ સાઈડ પર ચાલીને આવતાં બનેવીને જોરદાર ટક્કર મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. બાદમાં ઘટનાને અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ મામલામાં પોલીસે ઝીણવટભરી તપાસ કરતા હત્યાના ભેદ પરથી પડદો ઊંચકાયો હતો જેથી પોલીસે હત્યારા સાળાની ધરપકડ કરી હતી.
સમગ્ર મામલા પર નજર કરવામાં આવે તો ગત તા. ૨૧/૪ નાં રોજ રાત્રીના ૧૧/૨૦ કલાકે ભરતગીરી ઉર્ફે ભારતીગીરી પ્રભાતગીરી ગૌસ્વામી (ઉ.વ. ૫૬ રહે. વેલણ,કોડીનાર)ને કોઈ અજાણ્યા ઈકો ચાલકે અડફેટે લઈ મોત નિપજાવેલ હોવાની ફરીયાદ ઉના પોલીસ સ્ટેશનમાં મૃતકના પુત્ર મીતગીરી ભરતગીરી ઉર્ફે ભારતીગીરી ગૌસ્વામીએ નોંધાવી હતી. બનાવ ઉના જી.ઈ.બી. સોસાયટીનાં શેરીમાં બનેલ હોય પીઆઈ એમ.એન.રાણાએ સ્થળ વિઝિટ કરીને અકસ્માતની ઘટનાનું સત્ય મૃતકનાં પરીવારજનો છુપાવતા હોય તેવી શંકા જતાં બાતમી મળેલ કે, મૃતક ભરતગીરીને તેના સાળા રોહીત ગીરી ઉર્ફે રીકી બાબુગીરી ગોસ્વામી (રહે, ઉના)એ સંયુક્ત પરિવાર સાથે તા.૨૦ એપ્રિલના સાસણ અને ગીરના નેશ વિસ્તારમાં આવેલા કનકાઇ મંદિર સહિતના પ્રવાસે ગયા હતા. તે વખતે જંગલમાં કચરો ફેંકતા વિકલાંગ સાળાને તેનાં બનેવી, બહેનો અને વડીલોએ ના કહેવા છતા તેણે કચરો જંગલમાં ફેકી ગુસ્સે થઇ રીસાઇ ગયેલ અને કાર નીચે ઉતરી ગયેલ હતો. જેથી બપોરનાં સમયે જંગલમાં છોડી પરીવારજનો ફરવા ચાલ્યા જતાં રહ્યાં હતાં બાદમાં મોડી રાત્રે મૃતક મોડીરાત્રી રોહીતગીરી તેના મિત્રની ઇકો કાર જેના નંબર જીજે-03-ઈકે-2639 લઈને આવી સોસાયટીના નાકે રાહ જોઈ રહ્યો હતો. દરમિયાન બનેવી, બહેન અને પરીવારનાં સભ્ય રોડ પર પગપાળા આવતાં હોય પુરઝડપે કાર ચલાવીને ઈરાદાપૂર્વક મારી નાખવા ડ્રાઇવીંગ કરી બનેવી ભરતગીરી રોડની વચ્ચે ઉભા હોય તેને અડફેટે લઇ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જેના લીધે બનેવીનું મોત થઇ ગયું હતું અને હત્યારો નાસી ગયો હતો.
સનસનીખેજ વિગતો બહાર આવતાં તાત્કાલિક ઉના પોલીસે કોર્ટને સમગ્ર અકસ્માત ઘટના નહીં પરંતુ હત્યાનું કાવતરું હોવાનો રીપોર્ટ કરીને નાશી છુટેલા ભરતગીરીને ભાવનગર રોડ પર આવેલ સનખડા આઉટ પોસ્ટ પોલીસ ચોકી પાસે છુપાયો હોવાની બાતમીના આધારે ઈકો કાર સાથે પકડી પાડી ઉના પોલીસ સ્ટેશન લાવી પુછપરછ હાથ ધરી હતી.