Amreli,તા.28
સૌરાષ્ટ્રમાં ગઈકાલે સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદનો કહેર ચાલુ રહ્યો હતો અને આજે સવારે પૂરા થતા 24 કલાક દરમ્યાન અમરેલી જીલ્લામાં સૌથી વધુ રાજુલામાં 10 ઈંચ, અમરેલી, જાફરાબાદ, લીલીયામાં 2-2 ઈંચ, તેમજ ભાવનગરના મહુવામાં વધુ 7.5, તળાજા-વલ્લભીપુરમાં 4.5, જેસરમાં 3.5, કોડીનારમાં 2, ગીર સોમનાથના સુત્રાપાડામાં 6.5, ઉનામાં 5.5 ઈંચ, ગીર ગઢડામાં 4 ઈંચ, જામનગર પંથકમાં 0.5થી ઈંચ, રાજકોટ શહેર-જિલ્લામાં ઝાપટાથી માંડી 0.5 ઈંચ, વરસાદ વરસ્યો હતો.
ઉલ્લેખનિય છે કે, સતત ભારે વરસાદથી ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. અને મગફળી-કપાસનો લાખો રૂપિયાનો તૈયાર પાક નષ્ટ થઈ ગયો છે અને સર્વત્રથી સરકાર સહાય કરે તેવી માંગ ઉઠી રહી છે. દરમ્યાન મળતા અહેવાલો મુજબ
અમરેલી
ગુજરાતમાંથી ચોમાસાએ કાયદેસર રીતે વિદાય લીધા બાદ પણ હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ અમરેલી શહેર સહિત જિલ્લામાં હળવા ઝાપટાંથી લઈ રાજુલામાં 10 માં દસ ઇંચ વરસાદ પડ્યો છે. અમરેલી શહેરમાં છેલ્લા બે દિવસથી કારતક માસમાં અષાઢી માહોલ જામ્યો છે. હળવાથી લઈ ધોધમાર કમોસમી વરસાદ શરૂ રહેવા પામેલ છે. ત્યારે અમરેલી શહેરમાં ગઇકાલ સાંજથી ગઇકાલ બપોર સુધી ધીમીધારે અવિરત કમોસમી વરસાદ શરૂ રહેવા પામેલ હતો.
અમરેલીમાં ગઇકાલે જ કમોસમી વરસાદએ મંડાણ કર્યાં હતા. અમરેલીમાં ગઇકાલે સાંજથી કમોસમી વરસાદ શરૂ થવા પામેલ છે. ત્યારે પણ આખી રાત ધીમીધારે અવિરત કમોસમી વરસાદ શરૂ રહેવા પામેલ હતો જે આજે બપોર સુધી શરૂ રહેલ હતો. બપોર બાદ કમોસમી વરસાદે ખમૈયા કરેલ છે.
એક તરફ અમરેલીના મોટા મુખ્ય માર્ગો ઉપર ખોદકામ થયું છે. જેને લઈ શહેરીજનો ભારે મુશ્કેલીમાં હતા. ત્યાં આજે વરસાદે લોકો માટે મુશ્કેલી ઉભી કરી છે. દિવાળી પછી આજથી માર્કેટયાર્ડ તથા સરકારી ઓફિસ આજથી શરૂ થવા જઈ રહી છે. ત્યારે કારતક માસમાં અષાઢી માહોલ સર્જાયો છે.
અમરેલી જિલ્લાના દરિયા કાંઠાના જાફરાબાદ શહેર સહિત કોસ્ટલ બેલ્ટ ગામડાઓમાં ગઇકાલ કમોસમી વરસાદ પડ્યો હતો. જેને જાફરાબાદ શહેર સહિતના ગામની શેરીઓ પાણીમાં તરબતર થઈ જવા પામેલ હતી.
રાજુલાના કુંભનાથ મહાદેવ પટાંગણમાં વરસાદી પાણી ભરાયા હતા. રાજુલા તાલુકાના વાવેરા, દિપડિયા, ધારેશર, બરફટાણા, સારોડીયામાં વરસાદ પડતા તથા ઉપરવાસના વરસાદના કારણે ઘાતરવડી-2 ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા હતા.
સાવરકુંડલા ગ્રામ્યમાં પંથકમાં ધોધમાર કમોસમી વરસાદ પડતા સાવરકુંડલાના ભમ્મર ગામની ફુલઝર નદીમાં આવ્યું પૂર આવ્યું છે. જ્યારે ભમ્મરની જામવાળી નદીમાં આવ્યું પૂર આવ્યાનું જાણવા મળેલ છે. ભારે વરસાદથી ખેડૂતોની મગફળી તણાઈ જવા પામેલ છે. અને સાવરકુંડલા મહુવા જવાનો માર્ગ બંધ થઈ જવા પામેલ છે.
ભાવનગર
ગોહિલવાડ પંથકમાં કમોસમી વરસાદ ચાલુ રહ્યો છે. માવઠા એ સમગ્ર જિલ્લામાં જળબંબાકાર ની સ્થિતિ ઊભી કરી છે. જિલ્લાના કેટલા ગામો તો એવા છે કે જ્યાં ચોમાસામાં વરસાદ પડ્યો નથી તેઓ વરસાદ હાલમાં પડી રહ્યો છે. જિલ્લાના મહુવામાં વધુ સાડા સાત ઈંચ વરસાદ પડ્યો છે. મહુવામાં સતત વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લાના અન્ય તાલુકામાં પણ સારો વરસાદ પડ્યો છે.
આજે મંગળવારે સવારે 6 કલાકે કલાકે પૂરા થતા પહેલા 26 કલાક દરમિયાન ભાવનગર જિલ્લાના વલભીપુરમાં 110, ઉમરાળામાં 62 ,ભાવનગર શહેરમાં 37 ,ઘોઘામાં 25, સિહોરમાં 64 ,ગારીયાધારમાં 57, પાલીતાણામાં 43, તળાજામાં118, મહુવામાં 187 અને જેસર માં 81 મી.મી. વરસાદ નોંધાયો છે.
ભાવનગર જિલ્લાના ઘોઘા ના કુકઙ અને આસપાસના ઓદરકા ,નવાગામ , કંટાળા ,ગોરીયાળી (રામપર) ગરીબ પુરા ,ભાખલ ,વાવઙી , પીથલપુર ,છાયા ,પાણીયાળી ,સહિત ના વિસ્તારો માં મેધ તાંડવ ને કારણે રોઙ રસ્તા માં ગાબઙા પઙયા છે અનેક રસ્તાઓ ધોવાયા છે. તો કમોસમી ભારે વરસાદથી મગફળી ,કપાસ ,ડુંગળી ,જુવાર ,બાજરી કેળ સહિતના પાકોમાં વ્યાપક નુકશાન થતા ખેઙુતો ને પઙયા ઉપર પાટું ,મોંઘાદાટ ખાતર -બિયારણ નાખ્યાં હોવાથી ખૈઙુતની મહેનત ઉપર પાણી ફરી વળ્યા છે. જેને કારણે લાખો પિયા નું નુકસાન થયું છે.નુકસાન નો સર્વ કરી વળતર ચુકવવા માંગણી કરવામાં આવી છે. ભાવનગર જિલ્લાના અમુક ગામોમાં તો આખાય ચોમાસા નથી પડ્યો એટલો વરસાદ ત્રણ કલાક માં પડ્યો છે.
ભાવનગર શહેરના ઘોઘા જકાતનાકા રોડ ગાયત્રીનગર લક્ષ્મીનારાયણ સોસાયટી બ્લોક નંબર પાંચમાં મકાનની બાલકની અચાનક જ ધરાશાય થઇ હતી જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
બોરતળાવ ફરી ઓવરફ્લો
કુંભારવાડા કૈલાસ વાડી પાસે વરસાદ ના પાણી ભરાયા હતા.ગોઠણ સુધી ના પાણી ભરાતા લોકો હેરાન થઈ ગયા હતા. બોરતળાવ પાસેના ધોબી ઘાટના નાળા માં પાણી ભરાયા હતા. કાળિયાબીડ વિસ્તારમાં પણ લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. કોળીયાક નિષ્કલંક મહાદેવ જાવાનો પુલ ઉપર પાણી આવી જતા ટ્રાફીક જામ થયો હતો. સમગ્ર ગોહિલવાડ પંથકમાં ભારે વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
સલાયા
સલાયા તથા આજુબાજુના ગામોમાં આજે બપોરે કમોસમી વરસાદ ખાબક્યો હતો.ભારે પવન સાથે આ વરસાદ ખાબકતા વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી હતી.આ કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકશાની થઈ હતી.લગભગ ખેતરોમાં માંડવી તેમજ અન્ય પાકોને ઉપાડી અને પાથરા કરવામાં આવ્યા હતા.જેમાં વરસાદ પડતા ખેડૂતોને ભારે નુકશાની જવા પામી છે.આ કમોસમી વરસાદ લગભગ એક કલાક સુધી ધીમી ધારે વરસ્યો હતો.આ કમોસમી વરસાદથી સૌથી વધુ ખેડૂતોને વધુ નુકશાન જવા પામ્યું છે.હાલ પણ આ લખાઈ રહ્યું છે ત્યારે ધીમીધારે વરસાદ ચાલુ છે.
વેરાવળ
ગીર સોમનાથ જિલ્લામાં સતત આજે ત્રીજા દિવસે અડધા થી પાંચ ઇંચ સુધી વરસાદ પડ્યો છે, આ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી મગફળીનો તૈયાર પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે.સુત્રાપાડામાં 6.5, ઉનામાં 5.5 ઈંચ ગત સવારે છ થી સાંજે છ વાગ્યા સુધીના આંકડા મુજબ ગીરગઢડામાં 109 મીમી (સવા ચાર ઇચ), તાલાલામાં 22 મીમી (એક ઇચ), વેરાવળમાં 5 મીમી (અડધો ઇચ), સુત્રાપાડામાં 25 મીમી (એક ઇચ), કોડીનારમાં 80 મીમી (પોણા ચાર ઇચ), ઉનામાં 115 મીમી (પાંચ ઇચ) વરસાદ પડયો છે.
આ કમોસમી વરસાદને કારણે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. મગફળીના વાવેતર માં પાક બરબાદ થતા તેમને આવક મળવાને બદલે વાવેતરમાં ખર્ચ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. રાજ્ય સરકાર તાત્કાલિક સહાય આપે તેવી માંગ ઉઠી છે. જિલ્લામાં સૌથી વધુ ઉના, ગીરગઢડા, કોડીનાર તાલુકામાં આ કમોસમી વરસાદ વધુ પડતા ચિંતાનો માહોલ પ્રવર્તી રહ્યો છે.
જામનગર
જામનગર શહેર અને જિલ્લામાં એકાએક કારતક માસમાં ચોમાસા જેવા વાતાવરણ વચ્ચે અડધો થઈ બે ઇંચ વરસાદ થતા ખેતરોમાં વાડીઓમાં પાણી ફરી વળ્યાં હતા. જોડિયામાં બે ઇંચ,કાલાવડ અને લાલાઓઉરમાં પોણા બે ઇંચ અને જામનગર અને જામજોધપુરમાં અડધો અડધો ઇંચ વરસાદ થયો હતો.
આ કમોસમી વરસાદથી ખેડૂતોના મ્હોં સુધી આવેલ કોળ્યો છીનવાઈ ગયો હોવાની ફરિયાદ ખેડુતો કરી રહ્યા છે.જિલ્લામ મગફળી,કપાસ સહિતના પાકોને વ્યાપક નુકશાન ને લઈ ચિંતાના વાદળો જગતના તાત ઉપર ઘેરાયા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ જામનગર શહેર અને જિલ્લામાં વરસાદ વરસ્યો છે. બપોર બાદ અચાનક ભારે પવન સાથે મોસમી વરસાદ તૂટી પડયો હતો, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

