જેનિફરે એવું પણ કહ્યું કે સેટ પર દિશાને એક જગ્યાથી બીજા જગ્યાએ જવા માટે સ્ટ્રેચરની મદદ લેવી પડતી હતી
Mumbai, તા.૩૧
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોએ સોમવારે ૧૭ વર્ષ પુરા કર્યા છે. ત્યારે એક પ્રેસ કોન્ફરન્સમાં દિલીપ જોશીએ તેઓ દિશા વાકાણી સાથે કરેલા કામને કેટલું યાદ કરે છે, તે અંગે વાત કરી હતી. શોના પ્રોડ્યુસર આસિત મોદીએ પણ કહ્યું કે દયાના પાત્ર માટે કોઇને લેવું એ બહુ મોટો પડકાર છે કારણ કે દયાના પાત્રમાં દિશા વાકાણીએ બહુ મોટી અસર છોડી છે.હવે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં વિવાદાસ્પદ રીતે આ શો છોડી ચૂકેલી જેનિફર મિસ્ત્રીએ પણ દિશા વાકાણીને યાદ કરી હતી. જેનિફરે આ શોમાં રોશન સોઢીનો રોલ કર્યો હતો. તેણે ખુલાસો કર્યો હતો કે દિશા નવ મહિને પ્રેગનન્ટ હતી અને તે પોતે ચાલી પણ શકતી નહોતી, ત્યારે પણ તે શૂટ કરતી હતી.જેનિફરે એવું પણ કહ્યું કે સેટ પર દિશાને એક જગ્યાથી બીજા જગ્યાએ જવા માટે સ્ટ્રેચરની મદદ લેવી પડતી હતી. જેનિફરે કહ્યું, “જ્યારે દિશા મા બની તો, એ લોકોએ તેને પાછી લાવવા માટે ભીખ માગી હતી. તેની ડિલિવરી પછી પણ એ લોકોએ આવું કરવાનું ચાલુ રાખ્યું હતું, પણ એ પાછી ન આવી. દિશા એના નવમા મહિના સુધી શૂટ કરતી હતી. તેના માટે ખરેખર માન છે. તેને પગથિયા ચડવાની મનાઈ હતી, તો એ લોકો એને સ્ટ્રેચર પર લઇ જતાં હતાં. તેની ડિલિવરી પછી તેના પરિવારમાં સ્થિતિ બદલાઈ ગઈ હશે. એ બહુ પારિવારિક વ્યક્તિ છે. દિશા, હું અને નેહા પાંચ વર્ષ સુધી એક જ વેનિટીનો ઉપયોગ કરતાં હતાં. એ હંમેશા બધી પરિસ્થિતિમાં એડજસ્ટ કરી લેતી હતી. અમે ગમે તેટલાં થાક્યા હોય તો પણ એ ફૅન્સ આવે તો જતી અને તેમની સાથે સેલ્ફી પણ લેતી હતી. તે આવું કરતી ત્યારે હું એના પર ગુસ્સો પણ કરતી. તેનો આત્મા જ સુંદર હતો, તે જાણે કોઈ અલગ જ દુનિયાન વ્યક્તિ છે.”જેનિફરે કહ્યું, “શો પછી પણ અમે એક વખત એને મળવા માટે ગયેલાં, પણ એ પરિવારમાં રચીરચી હતી. તેને ક્યારેય પોતાના અંગત પ્રશ્નો કોઈ સાથે શેર કરવાની ટેવ નહોતી, તો ખબર નહીં, એને ક્યારેય કોઈ તકલીફ હતી કે નહીં. તે હંમેશા કહેતી કે તેને જ્યારે બાળકો હશે, તો એ એમની સાથે ઘરમાં જ રહેવાનું પસંદ કરશે. ”