Rajkot,તા.27
અમદાવાદ હાઇવે પર આવેલ નવાગામમાં રસ્તામાં વાહન નીકળતાં પાણી ઉડતાં બે પરિવાર વચ્ચે સશસ્ત્ર મારામારી થઈ હતી. જેમાં એક મહિલા ઇજાગ્રસ્ત થતાં સારવારમ ખસેડાઇ હતી. બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે મહિલા સહિત સાતથી વધું શખ્સો સામે ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે નવાગામમાં વ્રજલીલા રેસીડેન્સીમા રહેતાં પ્રવિણભાઇ કાનજીભાઇ ડાભી (ઉ.વ.૫૮) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, મિત્રોને મળવા માટે ચાલીને જતો હતો ત્યારે સામેથી સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઇ તેની ગાડી લઈને આવતા હતા, રસ્તામાં ભરાયેલ ખાબોચીયામાં ગાડી ચાલતા તેમને પાણીના છાંટા ઉડતા તેમને ધ્યાનથી ચલાવવાનું કહેતા મહેન્દ્ર મનફાવે તેમ બોલવા લાગેલ અને કોલર પકડી લીધેલ હતો.
જ્યારે સામાપક્ષે નવાગામમાં જ રહેતાં ગીતાબેન મહેન્દ્રભાઇ રાઠોડ (ઉ.વ.૩૯) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા.૨૪ ના બપોરના બારેક વાગ્યાની આસપાસ તેઓના પતિ શાકભાજી લેવાનુ કહી ઘરેથી નીકળેલ અને અંદાજે ત્રણેક વાગ્યાની આસપાસ શેરીમાં દેકારો થતા તે બહાર નીકળેલ અને જોયેલ તો તેમના પતિ શેરીમાં રહેતા પ્રવીણભાઇ ડાભી સાથે બોલાચાલી કરતા હોય અને શેરીમાં માણસો ભેગા થઇ ગયેલ હતા. તેણીએ પતિને પુછતા જણાવેલ કે, હુ શાકભાજી લઇ ઘરે આવતો હોય ત્યારે પ્રવીણ શેરીમાં બહાર ઉભેલ હોય તે વખતે બાજુમાં ભરાયેલ ખાબોચીયામાં ગાડી ચાલતા તેને છાંટા ઉડતા બોલાચાલી કરી હતી. બાદ સમાધાન થઈ જતાં રાત્રીના તેઓના ઘરે કોઈ અજાણ્યો વ્યક્તી હાથમાં લાકડાનો ધોકો લઇ ઘસી આવેલ અને મહેન્દ્ર ક્યાં છે, તેને બહાર બોલાવો આજે તેને મારી નાખવો છે, તેમ ગાળો બોલવા લાગેલ અને મારામારી કરી હતી.તેમજ ધોકા અને ગુપ્તિ-ફરસી જેવાં હથીયારથી પણ હુમલો કર્યો હતો. તેમજ તેઓની ઘરની સામે રહેતા કરણભાઇ આવેલ અને બોલાચાલી નહી કરવા કહીં બધાને છુટા પાડેલ હતા. તેણી ઘરની બહાર દરવાજો બંધ કરવા આવેલ ત્યાં નાનજી લાકડી લઇ આવેલ અને માતા-પુત્રને મારી નાખવાની ધમકી આપેલ હતી.