New Delhi,તા.29
ભારતીય ટીમના ભૂતપૂર્વ ઑફ સ્પિનર આર અશ્વિને 27 ઓગસ્ટે IPLમાંથી નિવૃત્તિ લીધી હતી. 38 વર્ષીય અશ્વિને અચાનક ટ્વિટર હેન્ડલ પર નિવૃત્તિની જાણકારી આપતા કહ્યું કે તે હવે દુનિયાની બધી T-20 લીગ રમવા તૈયાર છે. IPLમાંથી અચાનક નિવૃત્તિ લેવાના તેના આ નિર્ણયને ક્રિકેટ પ્રેમીઓને આશ્ચર્યચકિત કરી દીધા હતા. એવી જ રીતે ગયા વર્ષે પણ તેણે T-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. હવે તેણે IPLને અલવિદા કહેતા એવી ચર્ચા થઈ રહી છે કે CSK અને અશ્વિનની વચ્ચે બધુ બરોબર નથી ચાલી રહ્યું.
અશ્વિને IPLમાં CSKની ટીમ તરફથી રમવાનું શરૂ કરેલું. વર્ષ 2009માં CSKની ટીમ માટે તેને IPLની પહેલી મેચ રમી હતી, ત્યારબાદ IPL સાથે જ તેની CSKની યાત્રાનો અંત આવ્યો. IPLની કારકિર્દીમાં અશ્વિને CSK, રાઈઝિંગ પુણે સુપરઝાઇન્ટ, પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ જેવી ટીમની સાથે મેચ રમી છે પણ અમુક રિપોર્ટ પ્રમાણે અનુમાન લગાવામાં આવી રહ્યું હતું કે અશ્વિનને IPL 2026ની પહેલા CSK બહારનો રસ્તો દેખાડશે અને તેની જગ્યાએ સંજૂ સેમસનને ખરીદી લેશે.
આર.અશ્વિન હંમેશા તેના સ્પષ્ટવક્તા નિવેદનોને કારણે ચર્ચામાં હોય છે. તેણે હાલમાં તેના જ યૂટ્યુબ ચેનલ પર દાવો કર્યો હતો કે આફ્રિકાના યુવા બેટર ડેવાલ્ડ બ્રેવિસને ખરીદવા CSKએ એકસ્ટ્રા રકમ આપવા તૈયાર થઈ હતી. અશ્વિનના આ નિવેદન પછી વિવાદ ઉભો થયો હતો. અશ્વિનને યુટ્યુબ વીડિયોમાં કહ્યું હતું કે, ઓકશનમાં બ્રેવિસને ખરીદવા CSK સિવાય અન્ય ફ્રેન્ચાઇઝીએ પણ રસ દેખાડયો હતો, પણ CSKએ તેના એજન્ટ સાથે વાત કરી તેને વધુ ફી આપવાની ઑફર મૂકી હતી, ત્યારબાદ ડીલ ફાઇનલ થઈ. અશ્વિનના આ નિવેદન પછી CSKને આ મુદ્દે સ્પષ્ટતા આપવી પડી હતી.
CSKની ફ્રેન્ચાઇઝીએ આ મુદ્દે જણાવ્યું હતું કે, ટીમમાં ગુરજપનીત સિંહ ઇજાગ્રસ્ત થયો હતો ત્યારે નિયમો અનુસાર ડેવાલ્ડને રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ગુરજપનીતને ઓક્શનમાં 2.20 કરોડમાં ખરીદવામાં આવેલો અને બ્રેવિસને રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ગુરજપનીતને ઓક્શનમાં 2.20 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો અને બ્રેવિસને પણ તેટલી રકમ આપવી પડી હતી. ફ્રેન્ચાઇઝીના આ નિવેદન પછી અશ્વિનની પ્રતિક્રિયા પણ સામે આવી.
આર.અશ્વિને પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘જુના વીડિયોમાં મારો ઇરાદો બ્રેવિસની બેટિંગ વિશે વાત કરવાનો હતો, નહીં કે તેની IPLમાં મળતી રકમ વિશે. આપણે અહીં સમજવું પડશે કે IPLમાં રમનાર ખેલાડીની ફ્રેન્ચાઇઝી અને આ લીંગ સાથે કરાર હોય છે. મારી વાતોને તોડી-મરોડીને રજૂ કરવામાં આવી હતી. મેં તો માત્ર બ્રેવિસની બેટિંગ વિશે જ વાત કરી હતી. આજ કાલ એક નિવેદન કે હેડલાઇનથી જ સમાચાર બની જાય છે. CSKએ જે સ્પષ્ટીકરણ આપ્યું હતું, તે જરૂરી હતું, કારણકે ઘણા લોકોને શંકા હતી કે તથ્ય એ છે કે કોઈએ કઇ જ ભૂલ નથી કરી.’