(મિલન જોશી દ્વારા) Junagadh તા. ૨૨
માંગરોળમાં જુનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીજીની ધરપકડ તેમજ વિદ્યાર્થીઓ યુવાનો પર બેરહેમીથી લાઠીચાર્જના વિરોધમાં વિશાળ રેલી અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલની આગેવાનીમાં વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી કોંગ્રેસના શીર્ષ નેતા રાહુલ ગાંધીની અન્યાયી ધરપકડના મુદ્દે સરકારની શાસન નીતિઓ અને તાનાશાહી સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કરવા માટે યોજવામાં આવી હતી. જેમાં જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલની સાથે જિલ્લાના કોંગ્રેસના પ્રભારી જશવંતસિંહજી ભટ્ટી, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી હીરાભાઈ જોટવા, માજી ધારાસભ્ય બાપુભાઈ વાજા, વાલાભાઈ ખેર, લક્ષ્મણભાઈ ભરડા, કાનભાઈ રામ, રાજુભાઈ ચુડાસમા, રામભાઈ કરમટા, માંગરોળ તાલુકાના મોટી સંખ્યામાં કાર્યકરો, હોદ્દેદારો તેમજ સામાન્ય નાગરિકો જોડાયા હતા.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે ભાજપ સરકાર વિપક્ષનો અવાજ દબાવવા માટે સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે અને રાહુલ ગાંધીજી સામે બદલાની રાજનીતિથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ કોંગ્રેસ પક્ષ અન્યાય સામે ક્યારેય નમશે નહીં. દેશમાં લોકશાહી અને સંવિધાનના રક્ષણ માટે કોંગ્રેસનો દરેક કાર્યકર શેરીથી લઈને સંસદ સુધી લડત આપતો રહેશે.

