Junagadh, તા.9
જુનાગઢ એસટી ડીવીઝન નીચે 9 ડેપો આવે છે જેમાં બે ડેપો મેનેજરો, વર્કશોપના બે હેડ મિકેનીકને વિભાગીય એસટી અધિકારીએ સસ્પેન્ડ કરી દેતા એસટી ડેપોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. લાંબા સમયથી ડ્રાઈવરો, મુસાફરોની ફરીયાદને પગલે આકરાપાણીએ આવી ડીવીઝન કંટ્રોલરે એકશનમાં આવી સસ્પેન્ડ કરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
જુનાગઢ એસટી ડેપો મેનેજર વી.એમ. મકવાણા જુનાગઢ વર્કશોપના હેડ મિકેનીક આનંદ પરબીયા, જેતપુર એસટી ડેપો મેનેજર રામકુભાઈ ગીડા ત્યાંના વર્કશોપ મેકેનીકલ હેડ કિશોર સાગઠીયાને વિભાગીય નિયામકે સસ્પેન્ડ કરીદેવામાં આવ્યા છે.
કેટલાક સમયથી ડ્રાઈવરો પેસેન્જરોની ફરીયાદ મળવા પામી હતી કે બસ જયારે વર્કશોપમાંથી રૂટ પર મુકવામાં આવે ત્યારે તેની સ્વચ્છતામાં ઘોર બેદરકારી ફાળવવામાં આવતી હતી. ઉપરાંત અમુક બસમાં ટાયરના જોટા બદલી નાખવામાં આવતા હતા જેમાં રોડ પર અકસ્માત સર્જાય તેવી ભીતિ હોય તેવી હાલતમાં ડ્રાઈવરોને બસ સોંપવામાં આવતી હતી.
આવી ગંભીર બેદરકારી ધ્યાને આવતા આખરે મુસાફરોની સલામતી અને આરોગ્યની જાળવણી માટે એસટી વિભાગના ઉચ્ચકક્ષાએથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આના પગલે અન્ય ડેપોના સચેત બને જો આવી બેદરકારી અન્ય કોઈપણ ડેપોમાં સામે આવશે તો તેઓને પણ પાણીચા પકડાવી દેવામાં આવશે તેમ વિભાગીય નિયામકે જણાવ્યું છે.