America,તા.13
જગતજમાદાર અમેરિકાના બળુકા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ કમુરતા ઉતર્યા પછી તા.20મી જાન્યુઆરીએ સત્તાગ્રહણ કરશે ત્યારથી સમગ્ર વિશ્વમાં કેટલાંયના શ્વાસ અધ્ધર ચડવાના શરૂ થશે. 2016 થી 2020 સુધીના ચાર વર્ષના અગાઉના ટ્રમ્પના શાસનમાં સોનામાં 12 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો કારણ કે દરરોજ સવાર પડે ત્યારે ટ્રમ્પ કંઇને કંઇ નવું ગતકડું લઇ આવતાં અને આખા વિશ્વને ગોટે ચડાવતાં આવ્યા હતા.
અગાઉના ચાર વર્ષના પ્રેસિડન્ટ ટ્રમ્પ અને હવે ફરી ચૂંટાઇને આવેલા ટ્રમ્પમાં બહુ જ ફરક છે કારણ કે અગાઉ ટ્રમ્પ જ્યારે પ્રેસિડન્ટ બન્યા ત્યારે તરોતાજા હતા પણ આ વખતે આવેલા ટ્રમ્પ ઘવાયેલા હોઇ ચૂંટણી અગાઉથી માંડીને હજુ પ્રેસિડન્ટ નથી બન્યા ત્યાં સુધી ટ્રમ્પ બધાને નહોર ભરાવી રહ્યા છે અને દરેકને રાતઉજાગરા કરાવી રહ્યા છે.
હજુ તો પ્રેસિડન્ટની ખુરશીમાં બેઠા નથી ત્યાં જ ટ્રમ્પે ઇઝરાયલ સાથે 13 વર્ષથી લડતાં હમાસને નેસ્તનાબુદ કરવાની ધમકી આપી દીધી છે. ચીનને રગદોળી નાખવાના પેંતરા અત્યારથી ચાલુ કરી દીધા છે. પડોશી કેનેડા અને મેક્સિકોથી ગેરકાયદે ઘુસણખોરીને રોકવા સહિતના પગલાં ઉપરાંત કેનેડાને તો અમેરિકાના નકશામાં દેખાડીને ટ્રમ્પે કેનેડાના ભારતથી જખ્મી થયેલા પ્રેસિડન્ટ ટૂડોને રાજીનામું આપવા મજબૂર કરી દીધા છે. ખેર, ટ્રમ્પના ઊંબાડિયા હજુ તો ચાલુ થયા છે સત્તાગ્રહણ પછી આ ઊંબાડિયાનો પાવર વધશે ત્યારે સોનું-ચાંદીમાં ઉથલ-પાથલની નવી રમત શરૂ થશે.
ભારત-ચીન સોનાની તેજીના મુખ્ય ચાલક બનશે
વર્લ્ડ માર્કેટમાં સોનું 2024માં 27 ટકા વધીને ઓલટાઇમ હાઇ 2800 ડોલરની સપાટી નજીક પહોંચી ગયું હતું. ભારતીય માર્કેટમાં સોનાનો ભાવ 2023ના અંતે 10 ગ્રામનો 63,246 રૂપિયા હતો તે વધીને 2024ના અંતે 76,162 રૂપિયા થયા બાદ હાલ 78,018 રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે. આખા વર્ષમાં સોનામાં અંદાજે 13 હજાર રૂપિયાની તેજી જોવા મળી હતી. સોનાનું ચરિત્ર એવું છે કે દુનિયાની શાંતિ, સમૃધ્ધિ અને સલામતીને અસર કરતી કોઇપણ ઘટના બને ત્યારે સોનું હંમેશા વધે છે.
યુદ્ધ, આર્થિક કટોકટી, રાજકીય ઉથલપાથલ જેવી ઘટનાઓ કોરોના પછી સતત વધતી રહી હોઇ સોનું પાંચ વર્ષથી સતત વધી રહ્યું છે. હવે ટ્રમ્પના શાસનમાં આવી ઘટનાઓ સતત વધતી રહેવાની છે. ડોનાલ્ડ ટ્રમ્પના અગાઉના શાસનમાં ટ્રમ્પે ચીન સાથે શીંગડા ભરાવ્યા હતા અને આ વખતે ટ્રમ્પ ચીનને ભરી પીવા તલપાપડ છે.
ચીન વિશ્વનું સોનું સૌથી મોટું વપરાશકાર અને આયાતકાર હોઇ ટ્રમ્પને દરેક હુમલાની ઢાલ બનવા ચીને સોનાનો જ સહારો લીધો છે. ટ્રમ્પ જીતશે તેવા સંકેતો મળવા લાગતાં જ ચીનની સેન્ટ્રલ બેન્કે નવેમ્બરથી જ સોનાની ખરીદી ચાલુ કરી દીધી છે જે અગાઉના છ મહિના રોકી દીધી હતી. ચીનની સેન્ટ્રલ બેન્કે નવેમ્બર બાદ ડિસેમ્બરમાં પણ સોનાની ખરીદી કરી છે.
ચીનની આર્થિક સ્થિતિ કોરાના બાદ એકધારી ગગડી રહી છે ત્યારે ટ્રમ્પની જીત થતાં ચીનનું હાલ શીર્ષાસન ચાલી રહ્યું છે. ટ્રમ્પના નિશાન પર માત્ર ચીન નહીં પણ ભારત સહિતના અનેક દેશો છે આથી ટ્રમ્પના હુમલાને ખાળવા ભારત સહિત અનેક દેશોની સેન્ટ્રલ બેન્કોએ સોનાની ખરીદી ચાલુ કરી દીધી છે. ભારતીય રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પણ 2024ના આરંભથી સોનાની આક્રમક ખરીદી ચાલુ કરી છે.
વિશ્વમાં હાલ સોનાનો જે વપરાશ થાય છે તેમાંથી અડધોઅડધ વપરાશ ભારત-ચીન જ કરે છે. આથી ટ્રમ્પના હુમલાને ખાળવા ભારત-ચીનની પબ્લિક ઉપરાંત સેન્ટ્રલે બેન્ક પણ જો ખરીદી ચાલુ કરે તો સોનાની ડિમાન્ડ કયાં પહોચે ? આમ, ચીન અને ભારતની ડિમાન્ડ સોનાની તેજીને આગળ વધારશે.
યુદ્ધ અને ટ્રેડવોરથી સોનાની ખરીદી વધશે
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 47 મહિના અને ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા 13 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે આ ઉપરાંત ઇઝરાયલ-હિઝબુલ્લા, ઇઝરાયલ -ઇરાન વિગેરે અનેક યુદ્ધો ચાલી રહ્યા છે. આ ઉપરાંત ચીન-તાઇવાન, પાકિસ્તાન અફઘાનિસ્તાન, ઇરાન-અમેરિકા વચ્ચે ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળવાની સંભાવના છે. યુદ્ધગ્રસ્ત કોઇપણ દેશના નાગરિકને દેશ છોડીને ભાગવાનો વખત આવે અને કોઇપણ દેશમાં આશ્રય મેળવવાનો હોય.
ત્યારે આ નાગરિક પાસે જો સોનું હોય તો જ તે જીવનો ગુજારો કરી શકે છે. સોના સિવાય કોઇપણ ચલણ કે વસ્તુ હોઇ તો તેનો ગુજારો થતો નથી. આથી યુદ્ધના સમયમાં હંમેશા સોનાની ખરીદી વધતી હોય છે. હાલ ચાલી રહેલા યુદ્ધ ટ્રમ્પના શાસનમાં પુરા થાય તેવા ચાન્સ ઓછા દેખાય છે તેમજ ટ્રમ્પના ઊંબાડિયાથી બીજા યુદ્ધો ચાલુ થવાની શક્યતા વધુ છે.
આથી યુદ્ધો સોનાની તેજીને ભડકાવશે. ટ્રમ્પના અગાઉના શાસનમાં ચીન અને અમેરિકા વચ્ચે ભયંકર ટ્રેડવોર ફાટી નીકળ્યું હતું. અમેરિકા અને ચીન બંને વિશ્વના સૌથી મોટો ટ્રેડ પાર્ટનર છે. ટ્રમ્પે સત્તા સંભાળ્યા પહેલા જ અમેરિકામાં ચીનથી આયાત થતી ચીજો પર 10 ટકાથી 60 ટકા વધારાની ડયુટી લાદી દીધી છે. હવે વળતા પ્રહાર તરીકે ચીન પણ અમેરિકાથી આયાત થતી ચીજો પર ડયુટી લાદશે.
આથી બંને દેશો વચ્ચેના ટ્રેડમાં મોટો ઘટાડો થશે જેને કારણે અનેક દેશોના ટ્રેડ વધશે પણ ટ્રેડવોરને કારણે અમેરિકાના થનારા નુકશાનથી ફુગાવો બેફામ વધશે. અમેરિકા ઓલરેડ્ડી તોતીંગ નાણાકીય દેવા હેઠળ દબાયેલું છે. ચીનનો ટ્રેડ ઘટતાં ચીનની નબળી આર્થિક સ્થિતિ વધુ નબળી પડશે. આ રીતે દેશમાં ફરી આર્થિક સંકટના વાદળો ઘેરાવા લાગશે. આર્થિક સંકટના સમયમાં પણ સોનાની ખરીદી સલામતી માટે હંમેશા વધે છે. આમ, યુદ્ધની સ્થિતિ અને ટ્રેડવોરથી ઉભા થનારા આર્થિક સંકટના સમયમાં પણ સોનું હંમેશા વધતું રહેશે.
ચાંદીમાં બમણા કારણોથી મોટી તેજીના ચાન્સ
ચીનમાં હાલ ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ કુદકેને ભુસકે વધી રહ્યો છે અને ચીનની સરકાર પણ ઇલક્ટ્રિક વાહનોને જબ્બર ઉત્તેજન આપી રહી છે. આ જ રીતે ભારતમાં સોલાર પાવરનો ક્રેઝ વધી રહ્યો છે. ઇલેક્ટ્રિક વાહનોના એન્જિન અને સોલાર પેનલમાં ચાંદીનો વપરાશ સૌથી વધુ થતો હોઇ ચાંદીનો ઓદ્યોગિક વપરાશ હાલ કૂદકેને ભુસકે વધી રહ્યો છે. ચાંદીનો સોનાની તેજીને પણ લાભ મળી રહ્યો છે.
ચીન વિશ્વમાં ચાંદીનો સૌથી મોટું વપરાશકાર અને આયાતકાર છે તેની સાથે ચાંદી સોના જેવી કિંમતી ધાતુ છે અને ઔધોગિક ધાતું છે બંનેમાં ચાંદીની માગ વધી રહી છે. ચાંદીનો ભાવ ભારતીય માર્કેટમાં 2023ના અંતે કિલોનો 73,395 રૂપિયા હતો જે વધીને 2024ના અંતે 87,175 રૂપિયા થયા બાદ હાલ 90,268 રૂપિયા છે. ચાંદીમાં સોનાની જેમ 2024માં ભરપૂર તેજી જોવા મળી છે. ચાંદીનો ભાવ ભારતમાં એક લાખની તદ્દન નજીક પહોંચી ગયો હતો.
સોના-ચાંદીમાં તેજીની આશા ફળશે કે સુરસુરિયું થશે ?
2024માં સોના-ચાંદીમાં ભરપૂર તેજી જોવા મળી છે આથી જે કારણોથી 2024માં સોના-ચાંદીના તેજી થઇ તેની અસર 2025માં ચાલુ રહેવાના તાર્કિક કારણો પણ છે આથી જ બધા એવું માની રહ્યા છે કે 2025માં સોનું એક લાખ રૂપિયા અને ચાંદી સવા લાખ રૂપિયાને પાર કરી જશે. ટ્રમ્પ જેટલાં ઊંબાડિયા કરવા માટે જાણીતા છે તેટલાં જ જાણીતા કોઇએ ન ધાર્યું હોય તેવું કરવા માટે પણ છે.
ટ્રમ્પની ગળથૂંથીમાં ઊંબાડિયા કરવાનું હોઇ આગામી દિવસોમાં સોના-ચાંદીમાં ઉથલપાથલ સો ટકા થશે પણ તેની સાથે તેજીની આશાનું સુરસુરિયું થવાના ચાન્સને અવગણી શકાય નહીં આથી ટ્રમ્પના શાસનમાં સોના-ચાંદીમાં કમાયેલું જોતાં રહેશે અને ઘરભેગું નહીં કરે તો પસ્તાવાનો વખત પણ આવી શકે છે.
આજે સોના-ચાંદીમાં બે-ત્રણ લાખ રૂપિયા મળે છે પણ પાંચ-સાત લાખ થશે ત્યારે વેચીશું તેવી રાહ જોનારાને કદાચ રોવાનો વારો આવશે પણ આજે કમાણા તે ઘરભેગું કરીને આગળ વેપાર કરનારાઓ ફાવી જશે. દરેક ઘટાડે લઇને ઉછાળે વેચીને ઘરભેગું કરનારાઓ હંમેશા કમાશે.