Washington,તા.20
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ પુતિને બે કલાક કરતાં પણ વધારે સમય વાતચીત કરી હતી અને યુદ્ધ બંધ કરવા અંગે ચર્ચા કરી હતી. પુતિને યુદ્ધ બંધ કરવાના માર્ગ પર આગળ વધવાની તૈયારી બતાવી છે. ચર્ચાના અંતે બંને નેતાઓ તે વાત પર સંમત થયા હતા કે બધા પક્ષોને અનુકૂળ આવે તે પ્રકારનું સમાધાન શોધવાની દિશામાં પ્રયત્નો કરવામાં આવશે.
ટ્રમ્પ સાથેના ફોન કોલ પછી પુતિને જણાવ્યું હતું કે યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવાના પ્રયત્નોના મોરચે પ્રગતિ થઈ છે અને રશિયા કીવ સાથેની સીધી મંત્રણાને સમર્થન આપે છે. પુતિને પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમે અમેરિકન પ્રમુખ સાથે તે વાત પર સંમત થયા છીએ કે રશિયા પોતે પહેલ કરશે અને તે સંભવિત ભાવિ શાંતિ સંધિ અંગે પણ તેની સાથે કામ કરવા તૈયાર છે.
તેમણે સમજાવ્યું હતું કે આ માટે તૈયાર કરવામાં આવનારા મેમોરેન્ડમમાં કેટલાક ચાવીરૂપ ક્ષેત્રો પર ખાસ ધ્યાન અપાશે, તેમા સેટલમેન્ટના સિદ્ધાંતો અને કરાર પર પહોંચવાની સંભવિત સમયરેખાનો પણ સમાવેશ થશે. આ ઉપરાંત મોસ્કો અને કીવ વચ્ચે ચર્ચા ફરીથી શરૂ કરાવવા બદલ પુતિને ટ્રમ્પનો આભાર માન્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે ટ્રમ્પે શાંતિપૂર્ણ ઉકેલ માટે રશિયાના પ્રયત્નોને સમર્થન આપ્યું છે, પરંતુ તેની સાથે આ રસ્તા પર આગળ વધવા અંગેના પડકારો પર પણ ચર્ચા કરી હતી. જો યોગ્ય કરારો કરવામાં સહમતી સધાઈ તો યુદ્ધવિરામ થશે. આ સીધી મંત્રણા પર આવવાની વાત પુરવાર કરે છે કે અમે યોગ્ય માર્ગ પર જ હતા. પુતિને જણાવ્યું હતું કે આ મુદ્દે રશિયાનું વલણ સ્પષ્ટ છે, આ કટોકટીના વર્તમાન કારણો ખતમ કરવામાં આવે. આપણે શાંતિ તરફ આગળ વધતા સૌથી અસરકારક રસ્તા શોધવાના છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં તુર્કીયેમાં પુતિન અને ઝેલેન્સ્કી વચ્ચે વાતચીત થવાની હતી, પરંતુ પુતિન આવ્યા ન હતા. બંને દેશોના પ્રતિનિધિમંડળાઓ વાતચીત કરી હતી, જે બે કલાકથી ઓછો સમય ચાલી હતી.