Washington તા.4
દુનિયાભરમાં ટેરીફ વોરથી અમેરિકાને ફરી મહાન બનાવવાનો દાવો કરી રહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ર એપ્રિલના ટેરીફ લીબ્રેશન ડે એ આજે રંગ લાવ્યો હોય તેવા સંકેત છે. લાંબા સમયના વિવાદ અને ચર્ચા બાદ ગઇકાલે મોડી રાત્રે અમેરિકી સંસદના હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવ એટલે કે પ્રતિનિધિ સભા દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પના વન બીગ-બ્યુટીફુલ બીલને મંજૂરી આપવામાં આવી છે.
આજે તા. 4ના અમેરિકા તેનો સ્વતંત્રતા દિન મનાવશે તે સમયે ટ્રમ્પ માટે આ સંસદનો વિજય મહત્વપૂર્ણ બની ગયો છે. અગાઉ સેનેટ દ્વારા પણ ફકત એક મતની બહુમતીથી વન બીગ-બ્યુટીફુલ બીલને મંજુરી આપવામાં આવી હતી અને હવે અમેરિકી સંસદના નીચલા ગૃહે 218 વિરૂધ્ધ 214 આ પ્રસ્તાવને પસાર કરાવીને હવે અમેરિકામાં મહત્વપૂર્ણ રીતે ટ્રમ્પ પોતાની લાંબા સમયના આયોજનને આગળ વધારશે તેમ માનવામાં આવે છે.
3.4 ટ્રીલીયન ડોલરનું આ ફિશકલ પેકેજમાં વેરામાં ઘટાડો આ ઉપરાંત અનેક કાર્યક્રમોમાં સરકારી ખર્ચામાં મર્યાદા સહિતના પગલાઓ લેવામાં આવશે. લગભગ આઠ કલાકની ચર્ચામાં ડેમોક્રેટીક નેતા હેકમેન જેફરીએ પોતાન રેકોર્ડબ્રેક ભાષણમાં બીલનો વિરોધ કર્યો હતો. જયારે રીપબ્લીકન પક્ષે પૂરી રીતે આ બીલને સમર્થન કર્યુ હતું. 900 પાનાનો આ ખરડો એ સંસદમાં મંજૂર થતા જ હવે તે કાનુન બની જશે.
ખાસ કરીને અમેરિકાના સૌથી જાણીતા સામાજીક સુરક્ષાના આયોજનો પર તેની અસર થશે અને પુરી રાષ્ટ્રીય ટેકસ પોલીસી પણ બદલાઇ જશે આ ઉપરાંત અમેરિકામાં આગામી સમયમાં જે રીતે સરકારી દેવાની લીમીટ છે તેને વધારવામાં આવી છે. આ બીલમાં સૈન્ય બજેટ સંરક્ષણ તથા ઉર્જા ઉત્પાદન માટે વધારાના ખર્ચ કાપ જેવી જોગવાઇઓ આગામી દિવસોમાં અમેરિકી સામાજિક સ્થિતિ પર મોટી અસર કરે તેવી ધારણા છે.
આ ઉપરાંત આ બીલના આધારે ગેરકાયદેસર ઇમીગ્રેન્ટને દેશ નિકાલ કરવા માટે ખર્ચ વધારવાની પણ જોગવાઇ છે જયારે શિક્ષણ અને આરોગ્યના ખર્ચને પણ અસર થશે. ટ્રમ્પે પોતે આ ખરડો પસાર થવા પર પોસ્ટ લખીને જે રીતે રીપબ્લીકન પક્ષ તેની સાથે રહ્યો તે માટે આભાર માન્યો હતો અને કહ્યું હતું કે ભુતકાળમાં ન હતા તેવા આદેશ સૌ એકસાથે છીએ.
ટ્રમ્પે આ સંદર્ભમાં વ્હાઇટ હાઉસમાં ઉજવણીની જાહેરાત પણ કરી હતી અને કહ્યું હતું કે અમેરિકી સમય મુજબ તા.4ના 4 વાગ્યે સેલીબ્રેશન શરૂ થશે અને ઉમેર્યુ કે અમેરિકા ફરી એક વખત વધુ સમૃધ્ધ, વધુ સલામત અને વધુ શ્રેષ્ઠ બનશે.
તેઓએ બાદમાં કોંગ્રેચ્યુલેશનનો સંદેશ આપ્યો હતો. સંસદમાં આ ખરડો મંજૂર થઇ જાય તે માટે ટ્રમ્પે તેની ટીમને કામે લગાડી દીધી હતી અને તેને સફળતા મળી છે તે સૌથી મહત્વનું છે.