અમદાવાદ અને વડોદરા એસઆરપી ખાતે ફરજ બજાવ્યા બાદ હવે રાજકોટ શહેરના બીજા ડીસીપી ટ્રાફિક તરીકે કાર્યભાર સંભાળ્યો
Rajkot
રાજકોટ શહેરના બીજા ડીસીપી ટ્રાફિક તરીકે ડૉ. હરપાલસિંહ જાડેજાએ ચાર્જ સંભાળ્યો છે. ડીસીપી ટ્રાફિક પૂજા યાદવની ડાંગ એસપી તરીકે બદલી થતાં તેમની જગ્યાએ ડૉ. હરપાલસિંહ જાડેજાની નિમણુંક કરવામાં આવી હતી. આજે એક તરફ પૂજા યાદવને ભવ્ય વિદાયી આપવામાં આવી હતી જયારે બીજી બાજુ ડૉ. હરપાલસિંહ જાડેજાએ ચાર્જ સંભાળતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
શહેર ટ્રાફિક ડીસીપી તરીકે ચાર્જ સંભાળનાર ડૉ. હરપાલસિંહ જાડેજા મૂળ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખીજડીયા ગામના વતની છે. તેમનો પરિવાર વર્ષોથી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના વિરાણીપા ખાતે સ્થાયી થયેલો છે. તેમણે એમબીબીએસનો અભ્યાસ કર્યો છે અને બાદમાં તબીબ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી હતી. ત્યારબાદ જીપીસેસસીની પરીક્ષામાં ઉતીર્ણ થઈ તેઓ પોલીસ ખાતામાં ડીવાયએસપી તરીકે ભરતી થયાં હતા. ડીવાયએસપી તરીકે અનેક જિલ્લામાં પ્રસંશીય ફરજ બજાવી હતી.
બાદમાં આશરે છ વર્ષ પૂર્વે તેમને એસપી તરીકે પ્રમોશન મળ્યું હતું અને તેમની ગાંધીનગર એસઆરપીએફના કમાડન્ટ તરીકે નિમણુંક આપવામાં આવી હતી. ત્યારબાદ તેમની વડોદરા એસઆરપીએફ-1 ખાતે કમાડન્ટ તરીકે નિમણુંક આપવામાં આવી હતી. હવે તેમની રાજકોટના ડીસીપી ટ્રાફિક તરીકે બદલી થતાં આજે તેમણે ચાર્જ સંભાળ્યો છે. ત્યારે ટ્રાફિક પોલીસના અધિકારી-કર્મચારીઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.