Morbi, તા.4
ઈન્ડીયન મેડિકલ એશોસિયેશન-નેશનલ બ્રાંચ દ્વારા પ્રતિવર્ષ ડોક્ટર્સ ડે નિમિતે સમગ્ર દેશમાંથી કુલ 5 તબિબોને બેસ્ટ એકેડેમિક એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ એવોર્ડ આજદીન સુધી સમગ્ર ગુજરાતમાંથી કોઈ પ્રાપ્ત કરી શક્યુ ન હતું ત્યારે પ્રવર્તમાન વર્ષે સમગ્ર ભારતમાંથી કુલ 5 એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા જેમાં પ્રથમ એવોર્ડ મોરબી ની ઓમ કાન-નાક-ગળા ની હોસ્પીટલ ના તબિબ ડો.હિતેશ પટેલ ને એનાયત કરવામાં આવ્યો હતો.
સમગ્ર ગુજરાતમાંથી આ એવોર્ડ મેળવનાર સૌપ્રથમ તબિબ તરીકેનું બિરૂદ મોરબી ના ડો.હિતેશ પટેલે મેળવી મોરબી તેમજ સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યુ છે. સમગ્ર ભારતમાંથી 170 તબિબોની પસંદગી આઇએમએ નેશનલ બ્રાંચ દ્વારા કરવામાં આવી હતી.
જેમાં કાર્યકાળ દરમિયાન વિવિધ કોન્ફોરન્સમાં ફેકલ્ટી તરીકે પસંદગી, રીસર્ચ પેપરનું પ્રેસેન્ટેશન સહીતની બાબતોના માપદંડોને આધારે આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો ત્યારે મોરબી ના ડો.હિતેશ પટેલ કુલ 45 જેટલી રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કોન્ફોરન્સમાં ફેકલ્ટી તરીકે જોડાયા છે.
તેમજ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાની 120 જેટલી કોન્ફોરન્સમાં ભાગ લીધેલ છે. તબિબી ક્ષેત્રે તેમની શ્રેષ્ઠતા તેમજ યોગદાન બદલ તેમને આઇએમએ નેશનલ બ્રાંચ દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો બેસ્ટ 5 માંથી પ્રથમ બેસ્ટ એકેડેમિક એવોર્ડ સમગ્ર દેશના વરિષ્ઠ તેમજ નિષ્ણાંત તબિબોની હાજરી માં એનાયત કરવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાત તેમજ મોરબી ને ગૌરવ અપાવવા બદલ ડો.હિતેશ પટેલને શુભેચ્છાઓ મળી રહી છે.