Jamnagar તા.21
રાજ્યમાં ઉચ્ચકક્ષાએથી ગત સોમવારે જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત ગુજરાતના 104 આઇપીએસ અધિકારીઓની બદલીના આદેશ છૂટયા હતા. જેમા જામનગરમાં ત્રણ વર્ષથી પણ વધુનો સમય એસપી તરીકે યશસ્વી ફરજ બજાવનાર પ્રેમસુખ ડેલૂનો વિદાય સમારો યોજાયો હતો.
અગાઉ તેઓ ચાર્જ છોડતા પહેલા જામનગરના વિશ્વવિખ્યાત બાલા હનુમાન મંદિરની રામધૂનમાં સામાન્ય માણસની જેમ સહભાગી થયાં હતાં. બીજી બાજુ જામનગરના નવા એસપી તરીકે અમદાવાદ સેવા આપી ચૂકેલા ડો.રવિ મોહન સૈની એ ચાર્જ સંભાળ્યો હતો.
જેને જામનગર પોલીસના અધિકારીઓ દ્વારા આવકારવામાં આવ્યા હતા. જામનગરના નવા એસપી તરીકે અમદાવાદથી ડો.રવિ મોહન સૈનીની વરણી કરાઈ છે. આ દરમિયાન એસપી પ્રેમસુખ ડેલું દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
કિશોર વયથી જ ઉજળી કારકિર્દી ધરાવતા રાજસ્થાનના ડો.રવિ મોહન સૈનીને જામનગર પોલીસ પરિવારના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધા આ ઉપરાંત સ્ટાફના અન્ય અધિકારીઓ દ્વારા તેઓનું મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
જેઓએ એસપી કચેરી ખાતે સલામી ઝીલી હતી ત્યારબાદ જામનગર એસપી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. મહત્વની વાત એ છે કે અઢી દાયકા પુર્વે કૌન બનેગા કરોડપતિ જુનિયર દરમિયાન રવિ મોહન સૈનીએ તમામ સવાલોના સાચા જવાબ આપી રૂ.1 કરોડનું ઈનામ જીત્યું હતું. તેઓએ અગાઉ જયપુરના મહાત્મા ગાંધી મેડીકલ કોલેજમાંથી અભ્યાસ કરી એમબીબીએસની ડીગ્રી પ્રાપ્ત કરી હતી.
જામનગર જિલ્લાના પોલીસ પરિવારમાં અવિસ્મરણીય ઓળખ બનાવનાર અને કાયદો અને વ્યવસ્થાના મજબૂત અમલીકરણ સાથે અવિરત કામગીરી કરનાર પ્રેમસુખ ડેલુ સુરેન્દ્રનગર જિલ્લામાં બદલી થઈ છે, જેને પગલે પોલીસ હેડક્વાટર્સ, જામનગર ખાતે પોલીસ અધિક્ષકના સન્માનમા વિદાય સમારોહ યોજાયો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં શહેરીજનો અને પોલીસ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમા એસપી પ્રેમસૂખ ડેલુંએ જામનગર સાથેના સ્મરણ વાગોળ્યા હતા.
જોકે આ અગાઉ તેઓએ જામનગરમાં આવેલ વિશ્વવિખ્યાત બાલા હનુમાન મંદિરના દર્શન પણ કર્યા હતા. ચાર્જ છોડતા પહેલા તેઓએ બાલા હનુમાન મંદિરના દર્શન કરી અહીં ચાલતી અખંડ રામધૂનમાં સહભાગી થયા હતા. તેઓ સામાન્ય માણસની જેમ નીચે બેસીએ રામધૂનમા જોડાઈ ધન્યતા અનુભવી હતી.