Prabhaspatan તા.9
વિશ્વ પ્રસિદ્ધ ભારત બાર જ્યોતિર્લિંગમાંનુ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર ખાતે 10 ઓક્ટોબરના રોજ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવી રહ્યા છે ત્યારે સોમનાથ આવનારા તેઓ બીજા મહિલા રાષ્ટ્રપતિ હશે. આ અગાઉ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ સોમનાથ મહાદેવના દર્શને આવી ચૂક્યા છે.
આગામી 10 ઓક્ટોબરે રાષ્ટ્રપતિ પ્રથમ રાજકોટ એરપોર્ટથી ખાસ હેલીકોપ્ટર દ્વારા સવારે 11 વાગ્યે સોમનાથના ત્રિવેણી સંગમ ખાતેના હેલીપેડ ખાતે આવશે. જ્યાં પ્રોટોકોલ મુજબ સન્માન અને પોલિસ ગાર્ડ ઓફ ઓનર આપશે ત્યાથી સીધા મોટર માર્ગે સોમનાથ મંદિર પરિસરમાં સરદાર વલ્લભભાઈ પટેલી પ્રતિમાને ફૂલહાર કરી સોમનાથ સર્કિટ હાઉસ ખાતે વિશ્રામ-ભોજન બાદ બપોરના 3 વાગ્યા આસપાસ હેલીકોપ્ટર દ્વારા સાસણ જવા રવાના થશે.
ઉલ્લેખનીય છે કે, વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર જ્યોતિર્લિંગની પ્રાણ: પ્રતિષ્ઠા જ તત્કાલિની રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદના વરદ હસ્તે તા.11-5-51ના રાજે થયેલ છે અને તત્કાલિન રાષ્ટ્રપતિ ડો.શંકર દયાળ શર્માના વરદ હસ્તે સોમનાથ મંદિર બાંધકામ પૂર્ણ થયા બાદ તા.1-12-95ના રોજ રાષ્ટ્રને સોમનાથ મંદિર અર્પણ કરાયું હતું. જે વિધીમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન સોમનાથ આવી ચૂકેલા છે. રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંગ તા. 30-4-87ના રોજ સોમનાથ આવી ચૂકેલા છે.
તો રાષ્ટ્રપતિ પ્રભા પાટીલ તા. 3-10-09ના રોજ સોમનાથ આવેલા હતા. તેમજ રાષ્ટ્રપતિ પ્રણવ મુકરજી તા. 1-12-15ના રોજ સોમનાથ આવ્યા હતા તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી તા.2-10-17ના રોજ આવેલા હતા તેમજ આર. વૈકટરામન પણ સોમનાથની મુલાકાત કરી ચૂકેલા છે.
વિદેશના રાષ્ટ્રપતિઓ સોમનાથ નેપાળના પાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી તા.19-4-17ના રોજ સોમનાથ આવેલા હતા. તા.7-1-23ના રોજ સુરીનામ દેશ(દક્ષિણ આફ્રિકા)ના રાષ્ટ્રપતિ ચંદ્રીકાપ્રસાદ સંતોષીએ સોમનાથ મહાદેવના દર્શન-પૂજન કર્યા હતા.
અમારા જુનાગઢના પ્રતિનિધિ રાકેશ લલાણીના અહેવાલ મુજબ દેશના પ્રથમ નાગરિક ગણાતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ દિવસના પ્રવાસે ગુજરાતમાં આવી પહોંચ્યા છે ત્યારે જુનાગઢના સાસણ ગીર જંગલમાં તેમજ સોમનાથ દાદાના દર્શને આવી ચુકયા છે. તેમની સુરક્ષા માટે જુનાગઢ રેન્જના પોલીસ મહા નિરીક્ષક નિલેષ જાજડીયા જુનાગઢ એસપી સુબોધ ઓડેદરાએ જીલ્લાની તમામ પોલીસને રાઉન્ડ ધી કલોક ખડેપગે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ અંગે એલઆઈબી બ્રાન્ચમાંથી મળતી વિગત મુજબ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સુરક્ષા માટે 4 ડીએસપી (પોલીસ અધિક્ષકો) 10 નાયબ પોલીસ અધિકારીઓ (ડીવાયએસપી) 30 પીઆઈ 40 પીએસઆઈ 600 પોલીસ જવાનો બે એસઆરપી કંપનીને તૈનાત જુદી જુદી જગ્યાએ કરવામાં આવી છે. સાસણનો રોડ-હેલીપેડ સિંહ સદન જંગલ વિસ્તારમાં ચપ્પે ચપ્પે પોલીસ ગોઠવી દેવામાં આવી છે.
ઉપરાંત ડ્રગ્સ એન્ડ ફુડ, આરોગ્યની ટીમો ફાયર, પીડબલ્યુડી, સ્ટેટ વન વિભાગ, પાણી પુરવઠા, વહીવટી તંત્ર, કલેકટર સહિતનો વિશાળ સંખ્યામાં કાફલો સાસણ ખાતે ગઈકાલથી જ તૈનાત કરી દેવામાં આવ્યો છે.
સોમનાથ દાદાના દર્શન પૂજા અર્ચન આરતી કરી બપોર બાદ જુનાગઢ જીલ્લાના સાસણ ખાતે 3-30 કલાકે સોમનાથથી સાસણ આવી પહોંચશે. બાદ સફારી જંગલમાં વિહરતા સિંહોને કુદરતી સૌંદર્ય સાથે ખળખળ વહેતા ઝરણા લીલી વનરાઈઓને કુદરતના ખોળે નીહાળશે. સાંજના સમયે ગીરના સીદી બાદશાહનું નૃત્ય નિહાળી તેમની સાથે વાર્તાલાપ કરશે. રાત્રી રોકાણ સિંહ સદનમાં કરી ત્યાંથી જામનગર જવા રવાના થશે. જામનગરથી હેલીકોપ્ટર દ્વારા રાજકોટ આવી પ્લેન મારફતે અમદાવાદ જવા રવાના થઈ જશે. ત્યાં પદવી સમારંભમાં હાજરી આપી દિલ્હી જવા રવાના થઈ જશે.