Rajkot તા.2
સૌરાષ્ટ્ર સહિત દેશભરમાં કૃષિ ઉત્પાદન સતત વધી રહ્યું છે. સરકાર પણ કૃષિક્ષેત્ર માટે પ્રોત્સાહક કદમ ઉઠાવી જ રહી છે તેવા સમયે ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ રાજકોટમાં બે કૃષિ નિકાસકાર પર ત્રાટકતા ખળભળાટ સર્જાયો છે.એક પેઢી પર અધિકારીઓનો કાફલો ત્રાટકયો છે. જયારે અન્ય એક નિકાસકારને સમન્સ પાઠવવામાં આવ્યું છે.
ડીઆરઆઈના માહિતગાર સુત્રોએ કહ્યું કે, આયાત નિકાસમાં ગોટાળા તથા શંકાસ્પદ વ્યવહારોને પગલે નિકાસકારોને નિશાન બનાવવામાં આવ્યા છે. રાજકોટની ભાગોળે ફેકટરી તથા રાજકોટ-ગોંડલ યાર્ડમાં દુકાન-ઓફીસ ધરાવતા મોટા કૃષિ નિકાસકાર પર છેલ્લા બે દિવસથી ડીઆરઆઈ અધિકારીઓનો કાફલો છે અને તપાસનો ધમધમાટ છે.
નિકાસકારનાં હિસાબી સાહીત્ય તથા ધંધાકીય વ્યવહારોની ઝીણવટભરી ચકાસણી સાથે કેટલાક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. એમ કહેવાય છે કે ધાણાનો મોટો કારોબારી ધરાવતા આ વેપારીએ બે વર્ષ પુર્વે જંગી આયાત કરી હતી.
નિયમ મુજબ આયાતી માલ મુલ્યવર્ધિત પ્રોડકટ બનાવીને નિકાસ કરવાની હોય છે.પરંતુ તેમાં ગોટાળા કરાયા હતા. તપાસનીસ એજન્સીને કૌભાંડની ગંધ આવી હતી અને તેના આધારે બે દિવસથી વેપારીનાં જુદા જુદા ધંધાકીય સ્થાનોએ દરોડા પાડવામાં આવ્યા છે.
બજારની માહિતી પ્રમાણે આયાત-નિકાસ ઉપરાંત લોકલ માર્કેટમાં પણ વેપારી મોટો કારોબાર ધરાવે છે. પોતાની બ્રાન્ડ હેઠળ રીટેઈલ માર્કેટમાં પ્રોડકટનું વેચાણ કરે છે.
આ સિવાય એગ્રી પ્રોડકટનાં આયાત-નિકાસ ઉપરાંત રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં પણ સારૂ એવુ નામ ધરાવતા વેપારી પર પણ ડીઆરઆઈ દ્વારા તવાઈ ઉતારવામાં આવી છે.એરંડા, કોટન, તલ સહિતની કોમોડીટીમાં મોટો કારોબાર ધરાવતા હતા. વેપારી પણ આયાત સંબંધી ગોટાળામાં જ ઝપટે ચડયા છે.
સુત્રોએ કહ્યું કે, પ્રાથમિક તબકકે ડીઆઈઆઈ દ્વારા ચોકકસ વ્યાવસાયિક વ્યવહારોની વિગતો માંગીને સમન્સ પાઠવવામાં આવ્યું છે. વડી કચેરીએ રૂબરૂ હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યું છે.આ પ્રકરણમાં પણ અધિકારીઓનો કાફલો રૂબરૂ ત્રાટકીને દરોડા પાડે તેવી શકયતા નકારાતી નથી. રાજકોટના બે કૃષિ આયાત-નિકાસકાર પર ડીઆરઆઈની તવાઈથી માર્કેટ યાર્ડ સહિત વેપાર ઉદ્યોગમાં ખળભળાટ છે.
દરોડાનુ કારણ શુ?
માહિતગાર સૂત્રોએ કહ્યું કે સરકારી નીતિ અંતર્ગત તલી, ધાણા જેવી કેટલીક કૃષિ પ્રોડકટ આયાત કરવામાં આવે તો તેટલા જ જથ્થામાં તેનો બાય પ્રોડકટમાં ઉપયોગ કરીને નિકાસ કરવાનું ફરજીયાત છે.
આથી કૃષિચીજોનું ભારતમાં જ મોટુ ઉત્પાદન હોવાથી મોટી નિકાસ થતી હોય છે છતાં વૈશ્વિક ભાવ નીચા હોય તો આયાતી માલની નિકાસની શરતે છુટ્ટ હોય છે તેમાં સારો એવો ડયુટી લાભ પણ મળતો હોય છે. એમ કહેવાય છે કે ઘણા કિસ્સામાં આયાતી માલ પુન: નિકાસ કર્યા વિના લોકલ માર્કેટમાં વેચીને કૌભાંડ થતા હોય છે. આવા જ ગોટાળામાં તપાસ હોવાની શંકા છે.