Rajkot,તા.30
એસ્ટ્રોન ચોક પાસે પરિવાર સાથે ઉભેલી પાંચ વર્ષની બાળાના ગળામાંથી સોનાના ચેનની ચોરી થયા અંગે એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જે અંગે પોલીસે તપાસ હાથ આ પરિવારને ત્યાં ડ્રાઇવિંગ કામ કરનાર શખસને ઝડપી લઇ તેની પાસેથી સોનાનો ચેન કબજે કર્યો હતો.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રૈયા ચોકડી પાસેના બાદલ એપાર્ટમેન્ટમાં રહેતા મીનાક્ષીબેન જતીનભાઈ દવે (ઉ.વ 34) દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, ગઈ તા.20 ના તે પતિ જતીન, પુત્રી આર્યા(ઉ.વ 5) અને ડ્રાઇવર વિવેક સાથે કાર લઇ એસ્ટ્રોન ચોકમાં આવેલા મોબાઈલની દુકાને ફોનની ખરીદી કરવા ગયા હતા.
જ્યાં તે પતિ સાથે ફોનની પસંદગી કરતા હોવાથી ડ્રાઇવરને પુત્રી આર્યનું ધ્યાન રાખવાનું કહેતા તે આર્યાને બહાર લઈ ગયો હતો. બાદમાં ડ્રાઇવર દીકરીને લઈ દુકાનમાં આવતા પુત્રીએ ગળામાં પહેરેલો સોનાનો ચેન જોવા ન મળતા ડ્રાઇવરને પૂછતા તેને ખબર ન હોવાનું કહ્યું હતું બાદમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
એ ડિવિઝન પોલીસની ટીમે તપાસ શરૂ કરી હતી. દરમિયાન સ્ટાફને મળેલી બાતમીના આધારે શાસ્ત્રી મેદાનના ગેટ પાસેથી મહિલાને ત્યાં કામ કરનાર ડ્રાઇવર વિવેક કાંતિ મોઠીયા(ઉ.વ 27 રહે. સોમનાથ શેરી નંબર-3, 150 ફૂટ રીંગ રોડ) ને ઝડપી લઇ તેની સઘન પૂછતાછ કરતા તેણે ગુનો કબૂલી લીધો. બાળકીના માતા-પિતા મોબાઇલની દુકાનમાં ફોન ખરીદતા હતા તે સમયે ડ્રાઇવર બાળકીને બહાર લઈ ગયા બાદ તક મળતા તેના ગળામાંથી આ ચેન તફડાવી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી સોનાનો ચેન કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

