Bhavnagar, તા.16
ઉતરપ્રદેશના ગારહી ખાતે ટ્રાન્સપોર્ટમાં ક્લીનર તેના ડ્રાઇવર સાથે ઉતરપ્રદેશથી અમરેલી તરફ ટ્રક લઈને જતો હતો તે દરમિયાન રાજુલા જતા મહુવાના ભાદ્રોડ નજીક રોડની સાઇડમાં ગેરકાયેદસર રીતે પાર્ક કરેલ બંધ ટ્રકમાં તેમનો ટ્રક પુરપાટ ઝડપે ઘુસી જતાં તેમની સાથે રહેલ ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે ક્લીનરને ગંભીર ઈજા પહોંચી છે.
અકસ્માતની પ્રાપ્ત થતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લાના નાવડા ગાવ ખાતે રહેતા મુજાહિદઅલી સલીમખાનએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઉતરપ્રદેશના મેરઠ જિલ્લામાં એ ટુ ઝેડ ટ્રાન્સપોર્ટમાં નોકરી કરે છે અને તેઓ ડ્રાઇવર મોહદ વાસીમ શામુન સાથે ઉતરપ્રદેશથી તેમના ટ્રક નં.UP 15 ET 1392 માં સામાન ભરી અમરેલીના રાજુલા ખાતે જવા નિકળ્યા હતા.
તે દરમિયાન ઘોઘા ના રો-રો ફેરીથી રાજુલા જતા હતા તે વેળાએ મહુવાના ભાદ્રોડ નજીક પહોંચતા માધવ હોટલ નજીક રોડની સાઇડમાં ગેરકાયદેસર રીતે પાર્ક કરેલ ટેન્કર નં. GJ 14 Z 7734ની પાછળ તેમનો ટ્રક ઘુસી જતાં તેમની સાથે રહેલા ડ્રાઇવર મોહદ વાસીમ શામુનનું ગંભીર ઇજાના કારણે ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
જ્યારે ક્લીનર મુજાહિદઅલીને ગંભીર ઇજા સાથે મહુવાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં ગેરકાયેદસર પાર્ક કરેલ ટેન્કર ચાલક વિરૂદ્ધ મહુવા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.