Rajkot. તા.9
શહેર પોલીસે ગઈકાલે સવારથી જ વરસતાં વરસાદની વચ્ચે સમગ્ર શહેરમાં હેલ્મેટ ડ્રાઈવ યોજી હતી. જેમાં 40 થી વધું પોઈન્ટ પર ટ્રાફિક અને શહેરના તમામ પોલીસ મથકના જવાનોના ઘાડે ધાડા ઉતારી ફક્ત ત્રણ કલાકમાં જ પોલીસે હેલ્મેટના 2571 કેસ કરી 12.21 લાખનો દંડ વસુલ કર્યો હતો. જે દરમિયાન જન આક્રોશ પણ ફાટી નીકળતા પોલીસનો નવો અભિગમ હેલ્મેટ પહેરનારનું સ્વાગત કરી ઉત્સાહિત કર્યા હતાં. ટ્રાફીક ડિસીપી ડો. હરપાલસિંહ જાડેજા પણ મેદાનમાં ઉતર્યા હતાં અને તમામ પોલીસને દરેક હેલ્મેટ પહેરનાર લોકોના મોં મીઠા કરાવવાની સૂચના આપી હતી.
રાજ્યના પોલીસવડા વિકાસ સહાય દ્વારા રાજ્યમાં હેલ્મેટ નહીં પહેરનાર વાહનચાલક ઓછી સ્પીડમાં હોય છતાં તે સ્કૂટર પરથી પટકાય કે અકસ્માત થાય તો તેનું મૃત્યુ થયું હોય અને વધુ સ્પીડમાં વાહન હોય અને હેલ્મેટ પહેર્યું હોય ત્યારે અકસ્માત સર્જાય ત્યારે વાહનચાલકનો જીવ બચી જાય છે તેવું સ્પષ્ટ થયું હતું જેથી ગંભીરતાથી નિર્ણય કરી રાજ્યભરમાં હેલ્મેટ ફરજિયાતનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ત્યારે અગાઉ શહેર પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામાં શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ટ્રાફિક સિગ્નલ, હેલ્મેટ, આર.ટી.ઓ.-પોલીસની ડ્રાઇવ સહિતને લઈને ચર્ચા કરાઈ હતી. રાજકોટ શહેર પોલીસે આગામી 8 સપ્ટેમ્બરથી બાઇકચાલક અને પાછળ બેસનારે હેલ્મેટ ફરજિયાત પહેરવાને લઈને નિર્ણય કર્યો હતો. ત્યારે શહેર પોલીસ કમિશ્નર દ્વારા લાંબી જન જાગૃતિના અંતે ગઈકાલથી ફરજીયાત હેલ્મેટની અમલવારી શરૂ કરી લોકોના જીવ બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ગઈકાલે શહેરના તમામ પોઇન્ટ અને સર્કલ જેવા કે, બહુમાળી ભવન, હેડ કવાર્ટર ચોક, કિશનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, કેકેવી હોલ સર્કલ, ઇન્દિરા સર્કલ, રૈયા ચોકડી, મવડી ચોકડી, ગોંડલ ચોકડી સહિતના 40 થી વધુ શહેરના સર્કલ પર ટ્રાફિક અને શહેર પોલીસના જવાનો મળી 500 થી વધું પોલીસ સ્ટાફ ઈ-ચલણ મશીન સાથે મેદાન પર ઉતરી પડ્યો હતો અને હજારો લોકો પાસેથી લાખોનો દંડ વસુલ કર્યો હતો.
જે બાદ આજ સવારથી ટ્રાફીક ડીસીપી ડો. હરપાલસિંહ જાડેજા સહિતની ટ્રાફિક પોલીસ આજે મેદાનમાં ઉતરી હતી, પરંતુ તેમના હાથમાં આજે ફૂલ અને મીઠાઈ હતી. જે અંગે સાંજ સમાચાર સાથેની વાતચીતમાં ટ્રાફિક ડીસીપીએ જણાવ્યું હતું કે, જે વાહન ચાલકોએ નિયમનું પાલન કરી હેલ્મેટ પહેર્યા છે, તેમનું પોલિસ ફૂલ આપી મીઠાઈ ખવડાવી સન્માન કરશે અને અન્ય લોકોને પણ પ્રોત્સાહિત કરશે.
આજે તમામ પોલીસને સૂચના આપવામાં આવી છે કે, તમામ પોઇન્ટ પર પોલીસે હેલ્મેટ પહેરનાર લોકોના મોં મીઠા કરાવવાના રહશે. ઉપરાંત ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમનની સાથે સાથે હેલ્મેટ ડ્રાઈવ તો યથાવત જ રાખશે.

