પીધેલી હાલતમાં ઝડપાયેલા બંને શખ્સો વિરુદ્ધ જાહેર સંપત્તિને નુકસાન કરવાની કલમો હેઠળ ગુનો નોંધાયો
Rajkot,તા.31
શહેરમાં નાનામવા ગામ પાસે ભીમનગર સર્કલ નજીક કાર વીજપોલ સાથે અથડાઈ હતી. જેમાં વીજપોલ ધરાશાયી થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ મથકના સ્ટાફે અહીં પહોંચી કારમાં સવાર બંને શખસોની પૂછતાછ કરતા ચાલક અને તેની સાથે બેઠેલ શખસ બંને નશાની હાલતમાં હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે આ બંને શખસો વિરુદ્ધ પ્રોહિબિશન એકટ અને પબ્લિક પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવા અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ તાલુકા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અમરશીભાઈ મેતાલીયા આરોપી તરીકે કેવિન પંકજભાઈ ઉંધાડ(રહે. શગુન એલીગન્સ એપાર્ટમેન્ટ, ફ્લેટ નંબર એ-403, રાજકોટ) અને ધ્રુવ અરવિંદભાઈ સોરઠીયા (રહે. નેહરૂનગર-૪ મારવાડીની સામે નાનામવા મેઇન રોડ) ના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રીના તેઓ પીસીઆરમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન પોણા ત્રણ વાગ્યા આસપાસ ભીમનગર સર્કલ પાસે અકસ્માત થયો છે તેવો કોલ મળતા અહીં પહોંચી જોતા કાળા કલરની મર્સિડીઝ જીએલ 400 ડી કંપનીની કાર નંબર જીજે 3 એનપી 5507 અહીં ડિવાઇડર પર રહેલ સ્ટ્રીટ લાઇટના પોલ સાથે ભટકાડી દઈ પોલ ધરાશાયી કરી દીધો હોવાનું માલુમ પડ્યું હતું. કાર પાસે બેઠેલા બે શખસો પીધેલી હાલતમાં હોવાનું જણતા બંનેને નીચે ઉતારી તેમની પૂછતાછ કરતા કારચાલકનું નામ કેવીન ઉંધાડ અને તેની સાથે બેઠલ ધ્રુવ સોરઠીયા હોવાનું માલુમ પડ્યું હતું. બંને થોથવાતી જીભે બોલતા હોય બંને દારૂ પીધાનું માલુમ પડ્યું હતું.જેથી આ બંને શખસો વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એકટ અને પ્રીવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી હતી. બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ બી.આર. ભરવાડ ચલાવી રહ્યા છે.