Dubai,તા,26
આપણે ઘણીવાર એ પ્રકારના કિસ્સા જોતા હોઈએ છીએ કે, પોતાના સાથી પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટે લોકો અવનવી રીત અપનાવતા હોય છે અને તેના માટે કંઈ પણ કરે છે. હવે આવો જ એક કિસ્સો દુબઈથી સામે આવ્યો છે. દુબઈના એક કરોડપતિએ પોતાની પત્ની સુરક્ષિત અનુભવે તે માટે એક આખો ટાપુ ખરીદી લીધો છે. આ ટાપુ માટે તેણે અધધ 374 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.
દુબઈમાં રહેતી એક મહિલાએ દાવો કર્યો છે કે, મારા કરોડપતિ પતિએ એક પ્રાઈવેટ ટાપુ ખરીદ્યો છે જેથી હું સમુદ્ર કિનારે સુરક્ષિત અનુભવી શકું. 26 વર્ષની સૌદી અલ નાદકે પ્રાઈવેટ ટાપુનો એક ઈન્સ્ટાગ્રામ વીડિયો કેપ્શન સાથે શેર કર્યો છે- “POV: તમે બિકની પહેરવા માગતા હતા તેથી તમારા કરોડપતિ પતિએ તમારા માટે એક ટાપુ ખરીદી લીધો.
સૌદી દુબઈના બિઝનેસમેન જમાલ અલ નાદકની બ્રિટિશ મૂળની પત્ની છે. તેણે જણાવ્યું કે હું એક ફૂલટાઈમ ગૃહિણી છું. હાઈ-પ્રોફાઈલ કપલની મુલાકાત ત્યારે થઈ જ્યારે તેઓ બંને દુબઈમાં અભ્યાસ કરી રહ્યા હતા અને હવે તેમના લગ્નને ત્રણ વર્ષથી વધુ સમય થઈ ગયો છે. સૌદી સોશિયલ મીડિયા પર એક ઈન્ફ્લૂએન્સર તરીકે પણ ઓળખાય છે. તે તેના ઈન્સ્ટાગ્રામ અને ટિકટોક એકાઉન્ટ્સ પર તેની રઈસ લાઈફસ્ટાઈલ દેખાડતી રહે છે.
ટાપુ ખરીદવાનું કારણ
સૌદી અલ નાદકે હવે એક વીડિયો બનાવીને દાવો કર્યો છે કે મારા પતિએ એક આખો ટાપુ ખરીદી લીધો છે. હવે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે, જેને એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં 24 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. દુબઈ સ્થિત ઈન્ફ્લૂએન્સર કહ્યું કે હું અને મારો પતિ રોકાણ તરીકે એક ટાપુ ખરીદવાની યોજના બનાવી રહ્યા હતા. અને મારો પતિ ઈચ્છતો હતો કે હું સમુદ્ર કિનારે સુરક્ષિત અનુભવી શકું તેથી તેણે આ ટાપુ ખરીદ્યો છે. સૌદીએ ગોપનીયતા અને સુરક્ષાના કારણોસર ટાપુના સચોટ સ્થળ વિશે જણાવવાનો ઈનકાર કરી દીધો છે. જોકે, તેણે કહ્યું કે મારા પતિ જમાલે પ્રાઈવેટ રિટ્રીટ માટે 50 મિલિયન ડોલર એટલે કે, લગભગ 374 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.
ટ્રોલર્સને આપ્યો જવાબ
યુકેમાં જન્મેલી આ મહિલાને સોશિયલ મીડિયા પર દેખાડો કરવા બદલ ટીકાનો સામનો કરવો પડ્યો છે. તે પોતાના સોશિયલ મીડિયા પેજ પર વિદેશમાં શાનદાર રજાઓ, શાનદાર ડિનર, ડિઝાઇનર બુટિકમાં ખરીદી અને આ પ્રકારની જીવનશૈલીની તસવીરો પોસ્ટ કરતી રહે છે. તેના પ્રાઈવેટ આઈલેન્ડના વીડિયો પર પણ લોકોએ તેને ખૂબ ટ્રોલ કરી. કેટલાક યુઝર્સ તેના દાવાની સત્યતા પર પણ શંકા કરી રહ્યા છે. તેના પર જવાબ આપતા સૌદીએ કહ્યું કે, મને સમજાતું નથી કે મને આટલી બધી નફરત કેમ મળે છે. મને મારી જીવનશૈલી દરેક સાથે શેર કરવી ગમે છે.