Ahmedabad,તા.16
નરોડાના રહીશોમાં જી.આઈ.ડી.સી.ના એકમોમાંથી ગેરકાયદે હવામા છોડાતા કેમિકલને લઈ પગ લાલ થઈ જવાની સમસ્યા જોવા મળી રહી છે.જી.પી.સી.બી.ની બેદરકારીના કારણે કેટલાક એકમો દ્વારા હવામા કેમિકલ છોડાતા હોવાથી રહીશો ત્રાહિમામ બની ગયા છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ, નરોડા જી.આઈ.ડી.સી. આસપાસના વિસ્તારમા રહેતા લોકોને છેલ્લા ઘણાં સમયથી પગ લાલ થઈ જવાની સમસ્યા સતાવી રહી છે. આ સમસ્યાથી કંટાળેલા કેટલાક રહીશો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઓનલાઈન ફરિયાદ પણ કરવામા આવી હતી.જે સમયે રહીશો દ્વારા કોર્પોરેશનમા ઓનલાઈન ફરિયાદ કરવામા આવી તે સમયે કોર્પોરેશન તરફથી આપવામા આવતા પાણી સપ્લાયના કારણે આમ નહીં થતુ હોવાની વિગત સામે આવી હતી.સમસ્યાથી છૂટકારો મેળવવા રહીશોએ પગ લાલ થતા હોવા અંગેના ફોટા અને વિડીયો સોશિયલ મિડીયામા વાઈરલ કરતા કોર્પોરેશનના ઉત્તરઝોનના અધિકારીઓએ જે જે વિસ્તારમાંથી આ પ્રકારે રહીશોના પગ લાલ થતા હોવાની ફરિયાદ કોર્પોરેશનને મળી હતી ત્યાં ટીમ મોકલીને સ્થળ તપાસ કરાવી હતી. ઝોનના એડીશનલ સિટી ઈજનેર ગોપાલ પટેલે કહયુ, કોર્પોરેશન તરફથી અપાતા પાણી સપ્લાયમા કોઈ અસર નથી.પરંતુ કેટલાક સ્થળે પાર્ક કરેલા વાહન ઉપર કોર્પોરેશનની ટીમ દ્વારા પાણી છાંટવામા આવ્યુ તો તરત પાણીમા તરત લાલ રંગ પકડાઈ ગયો હતો.એથી હવામાથી કેમિકલના જે રજકણો છૂટે છે તેના કારણે જ રહીશોના પગ લાલ થતા હોવાનુ પ્રાથમિક અનુમાન છે.હવે જી.પી.સી.બી.એ કાર્યવાહી કરવાની રહે છે.