Rajasthan, તા.4
રાજસ્થાનમાં દશેરા પર્વ ધામધૂમથી ઉજવાઈ ગયું પરંતુ કેટલાક સ્થળોએ રાવણ દહન સ્થળે તેમજ રામલીલામાં બોલીવુડની ફિલ્મ `જાને ભી દો યારો’ના મહાભારતના નાટકમાં છબરડાના દ્દશ્યો રિયલમાં રામાયણના સર્જાયા હતા, જેના કારણે મનોરંજન પેદા થયું હતું! અહીં રામ, લક્ષ્મણ, હનુમાન ભીડમાં ફસાઈ ગયા હતા તો રાવણ સ્ટેજ પર બેહોશ થઈ ગયો હતો!
વ્યવસ્થા જાળવવા આવેલ સ્પેશિયલ એસપીનો વાયરલેસ ખોવાઈ ગયો હતો. રામલીલામાં રાવણે ઈ-રિક્ષામાં એન્ટ્રી લીધી બાદમાં અભિનેતા સ્ટેજ પર જ બેભાન થઈ ગયો હતો, જયારે કોટામાં 221 ફુટના રાવણે ઉંચાઈનો રેકોર્ડ તો બનાવ્યો પરંતુ વરસાદના કારણે તેનું પુરેપુરુ દહન ન થઈ શકયું, માથુ સળગાવવા મહેનત કરવી પડી હતી.
અજમેરમાં રામલીલાનું સમાપન હંગામેદાર રહ્યું હતું. અહીં રામલીલાના સમાપન સમયે હાથોહાથની લડાઈ જામી પડી હતી. પોલીસે ભીડને નિયંત્રીત કરવા જહેમત ઉઠાવવી પડી હતી. અજમેરમાં રાવણ દહનનું આયોજન રામલીલાના પાત્રોના રૂપમાં આવેલા કલાકારો દ્વારા થાય છે.
પાલકીમાં રામ, લક્ષ્મણ અને હનુમાન ભીડમાં ફસાઈ ગયા હતા. વ્યવસ્થામાં હાજર એસપીનો વાયરલેસ ખોવાઈ જતા તે શોધતા નજરે પડયા હતા. કેટલાક સાહસી સ્વયંસેવકોએ રામને ખભા પર ઉંચકી લીધા અને રાવણદહન સ્થળે લઈ ગયા, બીજી બાજુ હનુમાનજીનું પાત્ર ભજવતા કલાકારને આ સૌભાગ્ય ન મળ્યું, તેમને કોઈ મદદ ન મળી અને મોં વકાસીને ઉભા રહી ગયા અને મંચ તરફ જાતે જ જવા લાગ્યા હતા.
હનુમાનની ભૂમિકા ભજવતા કલાકાર રાજેન્દ્રે કહ્યું હતું- આયોજન ઘણું ખરાબ રહ્યું, અમને ધકકો મારવામાં આવ્યો, મારો પોશાક ફાટી ગયો, મારો મુગટ પણ ખોવાઈ ગયો. પ્રશાસને હવે બીજી વાર બહેતર તૈયારી કરવી પડશે.
અજમેરમાં અશોકનગર ભટ્ટાની રામલીલામાં રાવણે ઈ-રિક્ષામાં નાટકીય રીતે મંચ પર પ્રવેશ કર્યો હતો પણ રાવણની ભૂમિકા ભજવતો કલાકાર અભિનય કરે તે પહેલા જ તે બેભાન થઈને પડી ગયો, બાદમાં તેને ઘેર લઈ જવો પડયો.
રામલીલાના આયોજક રાહુલ કથમુટાએ કહ્યું હતું કે રાવણનું પાત્ર ભજવતો કલાકાર પોતાની ભૂમિકાથી એટલો તો અભિભૂત થઈ જાય છે કે તે સ્ટેજ પર જ બેભાન થઈ જાય છે.
કોટામાં 221 ફુટનું રેકોર્ડબ્રેક ઉંચુ રાવણનું પૂતળું બનાવાયું હતું. પરંતુ વરસાદના કારણે રાવણ સળગી ન શકયો. અંતે મોડી રાત્રે કોર્પોરેશનના અધિકારીઓએ પેટ્રોલથી રાવણ દહન કર્યુ અને ક્રેનથી રાવણને તોડી પાડી ટુકડે ટુકડા કરીને સળગાવવો પડયો હતો.