૧૨ જુલાઈએ અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ પાયલટ્સની નોકરીના કલાકોને લઈને પણ સવાલો ઉઠ્યા હતા
New Delhi, તા.૫
ઉડ્ડયન ક્ષેત્ર સુરક્ષા નિયમનકાર ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને (ડીજીસીએ) એરલાઈન માટે ફેટિગ રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ (એફઆરએમએસ) માટે ડ્રાફ્ટ ગાઈડલાઈન તૈયાર કરી છે. એરલાઈન પાયલટ્સ તથા ક્રુ સભ્યો વધુ કલાકોની નોકરીને લીધે થાક અનુભવતા હોવાથી તેમની નોકરીના કલાકોની મર્યાદા માટે નવા નિયમો ડીજીસીએના મુસદ્દામાં સામેલ છે જેનો તબક્કાવાર અમલ થશે. શેડ્યૂલ્ડ એર ટ્રાન્સપોર્ટ ઓપરેશન્સમાં ફ્લાઇટ ક્રુ સભ્યો માટે એફઆરએમએસ ડ્રાફ્ટ એડવાઇઝરી અંતર્ગત થાક જોખમ વ્યવસ્થા પ્રણાલીની મંજૂરીની પ્રક્રિયા, અમલીકરણની જરૂરિયાત અને દેખરેખ પદ્ધતિનો સમાવેશ કરાયો છે. નવી માર્ગદર્શિકા હાલના ફલાઈટ ડ્યુટી સમય મર્યાદા (એફડીટીએલ) ધોરણોની પૂરક બનશે અને થાક વ્યવસ્થાપન માટે ડેટા-સંચાલિત, વૈજ્ઞાનિક અભિગમ લાગુ કરશે. એફઆરએમએસમાં વૈજ્ઞાનિક સિદ્ધાંતોના આધારે મહત્તમ ફ્લાઈટ કલાકો, ફ્લાઈટ ડ્યુટીના કલાકો, નોકરીના કલાકોની મર્યાદા, મિનિમમ આરામની જરૂરિયાત, જે પૂરતી રિકવરી સુનિશ્ચિત કરે, અને સુરક્ષાની દૃષ્ટિએ કામગીરી દેખરેખ પ્રણાલી સહિત અન્ય બાબતો હોવી જોઈએ તેમ ડીજીસીએએ જણાવ્યું હતું. આ બાબતથી વાકેફ કેટલાક પાયલટ્સે જણાવ્યું કે, નિયમનકારે એરલાઈન્સ, પાયલટ એસોસિએશન સહિતના તમામ હિતધારકો પાસેથી ૧૫ સપ્ટેમ્બર સુધીમાં આ પ્રસ્તાવિત મુસદ્દા પર ટિપ્પણીઓ મંગાવી છે. એરલાઇન્સે હવે વર્તમાન એફડીટીએલ ધોરણોનો અમલ કરવો અથવા એફઆરએમએસના અમલના વિકલ્પમાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે. અન્યથા બન્નેનો ઉપયોગ કરીને હાયબ્રિડ અભિગમ પણ અપનાવી શકે છે. એરલાઇન્સ એફઆરએમએસનો અમલ કરીને ડીજીસીએની મંજૂરીને આધિન તેમની જરૂરિયાત મુજબ પ્રણાલીમાં સુધારા કરી શકશે. ૧૨ જુલાઈએ અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ પાયલટ્સની નોકરીના કલાકોને લઈને પણ સવાલો ઉઠ્યા હતા.