Dwarka,તા.૧૭
પ્રવાસીઓ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લો હંમેશા પહેલી પસંદ રહ્યો છે. હોળી, ધૂળેટી કે દિવાળી હોય, કોઈપણ તહેવાર કે રજાનો સમય લોકો દ્વારકામાં વિતાવવા માંગતા હોય છે. ત્યારે હાલ ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર, ચાર દિવસના મિની વેકેશનમાં દ્વારકા જગત મંદિર અને આજુબાજુના પ્રવાસીઓ ઉમટ્યા હતા. ફૂલડોલ ઉત્સવ અને હોળી દરમિયાન જગત મંદિરમાં ૬.૯૩ લાખ લોકોએ દર્શન કર્યા હતા.
હોળી, ધૂળેટીના પર્વ અને ઐતિહાસિક ફૂલડોલ ઉત્સવ દરમ્યાન સમગ્ર ભારતભરમાંથી દ્વારકા જગત મંદિરમાં ૬.૯૩ લાખ જેટલા શ્રદ્ધાળુઓએ ભગવાનને શીશ ઝુકાવ્યું હતું. આ ઉપરાંત શિવરાજપુર બીચ, સુદર્શન બ્રિજ અને હર્ષદ, ઘૂમલી સહિતના સ્થળોએ પણ પ્રવાસીઓની ભીડ જામી હતી.
ગુજરાતનું ઘરેણાં સમાન શિવરાજપુર બીચ ખાતે લોકોએ નહાવાની મોજ માણી હતી. ઉનાળાની ગરમીનો પ્રારંભ થયો હોવાથી લોકો ગરમીથી અકળાયા હતા. જ્યાં શિવરાજપુર બીચમાં લોકોએ નહાવાથી માંડી સ્કુબા ડ્રાઇવિંગ, બોટિંગ સહિતની એક્ટિવિટીનો આનંદ લીધો હતો. જેને લઈને સ્થાનિક રોજગારીમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો હતો. આ ઉપરાંત પાણીમાં પથ સમાન સુદર્શન સેતુ પર પણ પ્રવાસી કારણ ખડકલા જોવા મળ્યા હતા. સાથે સાથે લોકોએ હર્ષદમાં ઐતિહાસિક હરસિદ્ધિ માતાના મંદિર અને નાગેશ્વરની પણ મુલાકાત લીધી હતી.
બીજી તરફ દ્વારકા મંદિરમાં પોલીસ દ્વારા પણ યશસ્વી કામગીરી કરવામાં આવી હતી. ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શને આવતા યાત્રાળુઓ માટે કીર્તિસ્તંભ ખાતે એક પોલીસ કંટ્રોલ રૂમ ૨૪/૭ કલાક કાર્યરત કરાઈ હતી. જેથી યાત્રાળુઓને ત્વરિત રીતેની જરૂરી સહાય મળી રહે. વધુમાં દ્વારકા તેમજ બેટ દ્વારકા ખાતે લોકોની સેવા માટે રાખવામાં આવેલ શી ટીમ, મંદિર સુરક્ષા પોલીસ ટીમ, પોલીસ સહાયતા કેન્દ્ર તેમજ વિવિધ સ્થળો પર પોઈન્ટવાઇઝ પોલીસ સતત ખડેપગે રહી નમ્રતાપૂર્વકનો પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો.
પોલીસ તેમજ દ્વારકાધીશ મંદિર સુરક્ષા દ્વારા આશરે વિખૂટા પડેલ ૨૮૪ જેટલા વયોવૃદ્ધ, બાળકો, પરિજનો કે હેતુમિત્રોને શોધી આપ્યા હતા. ગુમ થયેલ માલ સામાન પૈકી કુલ ૭૩ જેટલા સામાન શોધી આપી સંબંધિત માલિકને પરત સોંપવામાં આવ્યો હતો અને શારીરિક રીતે અશક્ત કુલ ૨૩૦૨ જેટલા યાત્રાળુઓને દર્શન કરાવવામાં કરાવ્યા હતા. સાથે જ ૧૫ જેટલા વિદેશી દર્શનાર્થીઓને દર્શન કરાવવામાં મદદ કરી હતી.